ભરૂચ જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહયું છે. એક પછી એક કેનાલમાં ગાબડા પડી રહયાં હોવાથી ખેડૂતોનો પાક નષ્ટ થઇ રહયો છે. જંબુસર તાલુકામાંથી વડોદરા બ્રાંચ કેનાલ પસાર થાય છે તેમાંથી દહરી, કલિયારી, છીદ્રા, જંત્રાણ, મદાફર, ભડકોદ્રા સહિતના અનેક ગામના ખેડૂતો સિંચાઇ માટેનું પાણી મેળવતાં હોય છે.
કેનાલમાં પાણીનો પ્રવાહ વધી જવાના કારણે ગતરોજ દહરી ગામ પાસે ભંગાણ પડયું હતું. ભંગાણ પડતાની સાથે કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ભરાવા લાગતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી. દહરી ના ખેડૂત કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કેનાલ દર વર્ષે તુટી જાય છે.
રીપેરીંગ પાછળના લાખો રૂપિયા પાણીમાં જતાં રહે છે. કેનાલમાં પાણી વધી જતાં કેનાલ વિભાગમાં જાણ કરી હતી પણ પાણી છોડવાનું ચાલુ રખાતાં અમારા ખેતરોમાં પાક નષ્ટ થઇ ગયો છે. આશરે 150 થી 200 એકર જમીનમાં ઘઉં અને મગનું વાવેતર કરાયું હતું.
ભરૂચના માતરિયા તળાવમાં પાણી ખૂટી રહ્યું છે
ભરૂચ શહેરના માથે જળસંકટનો ખતરો વધી રહયો છે. ડભાલી ગામ પાસે કેનાલનું રીપેરીંગ નહિ કરવા દેવા ખેડૂતો મકકમ છે. પાલિકા શહેરીજનોને માતરિયા તળાવમાંથી એક ટાઇમ પાણી આપી રહી છે પણ માતરિયા તળાવમાં પણ હવે માત્ર 6 દિવસ ચાલે તેટલું પાણી રહી ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.