આવકમાં 90 ટકાનો વધારો:3 વર્ષમાં 1.08 લાખ દસ્તાવેજ, રૂ. 614 કરોડની આવક

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં દસ્તાવેજોની સંખ્યામાં 60 ટકા અને આવકમાં 90 ટકાનો વધારો

કલ્પેશ ગુર્જર

રાજય સરકારે રાતોરાત જંત્રીમાં વધારો કર્યા બાદ એક તબકકે મિલકતોના દસ્તાવેજો કરાવવા માટે લોકોની કતાર લાગી ગઇ હતી. હાલ તો સરકારે નવી જંત્રીનો અમલ 15મી એપ્રિલ સુધી મુલતવી રાખ્યો છે પણ ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 1.08 લાખ દસ્તાવેજો થયા છે જેમાંથી સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી પેટે તંત્રને 614 કરોડ રૂપિયાની માતબર આવક થઇ છે.

આમોદ, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાઓ મળીને દસ્તાવેજોનો આંકડો 1.08 લાખ થયો છે. ભરૂચ જિલ્લામાં 2020માં 27,219, 2021માં 38,012 અને 2022માં 43,566 દસ્તાવેજો નોંધાયાં છે. આમ 2020ની સરખામણીએ દસ્તાવેજોની નોંધણીમાં 60 ટકાનો ઉછાળો આવ્યો છે. તેવી જ રીતે 2020માં તંત્રની આવક 132 કરોડ હતી તે 2022માં 254 કરોડ પર પહોંચી છે. આમ આવકમાં 90 ટકા જેટલો વધારો થયો છે.

દસ્તાવેજોની નોંધણી માટે વેઇટિંગ વધ્યું છે
સરકારે નવી જંત્રી જાહેર કરતાંની સાથે જુની તારીખોવાળા દસ્તાવેજો માટે ધસારો રહયો હતો પરંતુ હાલ પુરતી સરકારે રાહત આપી છે. 15 એપ્રિલથી નવી જંત્રીનો અમલ થવાનો હોવાથી નોંધણી માટેનું વેઇટિંગ વધ્યું છે.- એસ.એસ. હઠિલા, જીલ્લા નો઼ધણી નિરિક્ષક, ભરૂચ

અંકલેશ્વર અવ્વલ, ભરૂચ બીજા નંબરે
અંકલેશ્વરમાં 2020માં 11,268, 2021માં 16,101 અને 2022માં 18,277 દસ્તાવેજોની નોંધણી થઇ છે. ભરૂચમાં 2020માં 9,228, 2021માં 12,784 અને 2022માં 14,775 દસ્તાવેજો નોંધાયાં છે.

અન્ય સમાચારો પણ છે...