ભરૂચ જિલ્લાના કુલ 1.86 લાખ હેક્ટર વાવેતરની સરખામણીમાં ખેડૂતોએ કુલ 79623 હેક્ટર એટલે કે 42.81 ટકા વાવેતર માત્ર કપાસનું થયું છે. જેમાં પણ માત્ર વાગરા, આમોદ, જંબુસર તેમજ ભરૂચ તાલુકાના ગામોમાં છેલ્લાં 15 દિવસથી કંપનીમાંથી છોડવામાં આવતાં પ્રદુષણયુક્ત ધુમાડાને કારણે કપાસના પાકનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાના આક્ષેપેે સાથે ખેડૂતો રોષ ઠાલવી રહ્યાં છે. ત્યારે કલેક્ટર ડો. એમ. ડી. મોડીયાએ ખેડૂતોની રજૂઆતોને પગલે સ્થળ મુલાકાત લીધી હતી.
બુધવારે વાગરાના કલાદરા તેમજ આસપાસના ગામોમાં ફરીને કપાસના પાકોને થયેલાં નુકશાનનો ચિતાર મેળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રાથમિક તબક્કામાં કપાસના પાકને 2,4 ડી ( ફિનોક્સી કંપાઉન્ડ )ની અસર જણાતાં મામલામાં તલસ્પર્ષી તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે જીપીસીબીએ વાગરા અને હાંસોટ તાલુકાના ગામોમાં તેમજ દહેજ પંથકના અસરગ્રસ્ત ગામોમાં કુલ 10 સ્થળે સેમ્પલર મશીન મુકી હવામાં 2,4 ડીની હાજરી છે કે નહીં તે શોધવાની કવાયત હાથ ધરી છે.
કોઇ કંપનીથી થયું હશે તો કાર્યવાહી થશે
કપાસના પાકોને નુકશાન થયું હોવાનું સ્પષ્ટ છે. જીપીસીબીની ગાંધીનગર સેન્ટ્રલ લેબોરેટરીમાં સેમ્પલ મોકલી કપાસના પાકને નુકશાનનું કારણ શોધવામાં આવશે. જો તેમાં કોઇ કંપનીના હવા પ્રદુષણને કારણે નુકશાન થયું હોવાનું જણાશે તો કંપની વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. > ડો. એમ. ડી. મોડિયા, કલેક્ટર.
કપાસના બિયારણના સેમ્પલમાં ક્ષતિ નથી
પાક નુકશાનીની અસર 2,4 ડી એટલે કે નિંદામણ નાશક દવા ( ફિનોક્ષી કંપાઉન્ડ)ના કારણે થઇ હોવાનું જણાઇ રહ્યું છે. બિયારણના સેમ્પલ તપાસવા સાથે વાયરસની અસર છે કે કેમ તેની પણ ચકાસણી કરી છતાં તેવું કાંઇ દેખાયું નથી. કપાસ સિવાયના અન્ય પાક-વૃક્ષોને પણ નુકશાન જણાયું છે. > જીગર ભટ્ટ, જિલ્લા ખેેતીવાડી અધિકારી, ભરૂચ
જંબુસરના ધારાસભ્યની સીએમને રજૂઆત
ચાલુ વર્ષે વરસાદમાં પણ જરૂરિયાત મુજબ પડ્યો નથી તેની સામે ઊભા પાકમાં આવતી વિકૃતીથી ધરતીપુત્રોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે તેમ છે. ત્યારે જંબુસર અને આમોદ તાલુકામાં પણ ખેતીમાં વ્યાપક નુકસાન પહોચ્યું છે. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ રૂબરૂ ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની સમસ્યા જાણી હતી. જંબુસરના ટંકારી, કાવા, લીમચ, પાંચકડા, કલક જેવા અનેક ગામોમાં ઊભા પાકને નુકસાન થયુ છે. જેના પગલે ધારાસભ્ય સંજય સોલંકીએ જંબુસર અને આમોદ તાલુકામાં ખેતીમાં નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.