સુકન્યા સમૃદ્ધિ યોજના:ભરૂચમાં વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે 1 હજાર દિકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 હજાર દિકરીઓને 1 હજાર રૂપિયા લેખે કુલ 10 લાખ ભરી સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવવામાં આવ્યાં
  • 10 વર્ષથી નીચેની વય મર્યાદામાં આવતી દિવ્યાંગ, અનાથ અને ગરીબ બાળકીઓને લાભ અપાયો

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રીના સંનિષ્ઠ પ્રયાસોથી ભરૂચની 1000 દિકરીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મ દિવસ નિમિત્તે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ માટે ભરૂચ જિલ્લામાં રહેતી 10 વર્ષથી નીચેની વય મર્યાદામાં આવતી દિવ્યાંગ, અનાથ અને ગરીબ બાળકીઓને 1000 રૂપિયા લેખે એક હજાર બાળકીઓને કુલ 10 લાખ રૂપિયા આપી ચાલુ વર્ષનું પહેલુ પ્રીમિયમ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર દ્વારા ભરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કસક ખાતેથી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી ફતેસિંહ ગોહિલ, નિરલ પટેલ, મંત્રી નિશાંત મોદી સહિત યુવા આગેવાન રુષભ પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના? કઈ રીતે મેળવશો યોજનાનો લાભ?

સરકારે નાની બચત યોજનાઓ માટે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેવી જ રીતે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ પહેલા જેવા વ્યાજ દર ઉપલબ્ધ રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી બચત યોજના પણ છે. જેમાં પુત્રીઓ માટે કરમુક્ત રોકાણો કરી શકાય છે. પરંતુ તે માત્ર અમુક ચોક્કસ તબક્કા સુધી માન્ય છે. આમાં, ટેક્સ છૂટ પણ આવકવેરાની કલમ 80 સી હેઠળ ઉપલબ્ધ છે. આમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. એસએસવાયની શરૂઆત 2015માં કરવામાં આવી હતી. તેમાં દીકરીઓ માટે ફંડ ભેગું કરવાનો સમાવેશ હતો. અન્ય સ્કીમ કરતા આ સ્કીમ પર વ્યાજ વધારે મળે છે. જુલાઈ - સપ્ટેમ્બર ત્રિમાસિક સમય દરમિયાન 7.6 ટકાના દરથી વ્યાજ દરો નક્કી કરવામાં આવ્યાં છે. તેના પર મળતું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ ઉમેરવામાં આવે છે.

જો આ સ્કીમમાં યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો દીકરીઓ માટે મોટી રકમ ભેગી કરી શકાય છે. જો કોઇ વ્યક્તિ દર મહિને 3000 રૂપિયાનું રાકાણ કરે છે. તો એક વર્ષમાં કુલ 36 હજાર રૂપિયા જમા થશે. 14 વર્ષ સુધી ડિપોઝિટ કર્યા બાદ કુલ રોકાણ 9,87,637 રૂપિયા થશે. તેના પર 7.6 ટકાના દરે વ્યાજ પણ મળશે. આ સ્કીમના નિયમ હેઠળ, સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરીના 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ જ તમે રકમ ઉપાડી શકશો. આ પ્રકારે દીકરીના 21 વર્ષ થયા બાદ તમને 15,27,637 રૂપિયા મળશે.

આ સ્કીમમાં રોકાણ કરવાની મર્યાદા શું છે?

આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં તમે 250 રૂપીયાથી લઇને 1.5 લાખ રૂપિયા વર્ષના જમા કરાવી શકો છો. જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે.

કોણ ખોલાવી શકે છે, સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં ખાતું?

ભારતનો કોઈપણ નાગરીક આ સ્કીમ અંતર્ગત પોતાની દીકરી માટે ખાતું ખાલવી શકે છે. આ સ્કીમ અંતર્ગત ખાતું પુત્રીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવા પર જ ખુલી શકે છે. 18 વર્ષની ઉંમર થયા બાદ પુત્રી જાતે પોતાના ખાતાનું સંચાલન કરી શકે છે. આ સ્કીમ અંતર્ગત 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત વધારેમાં વધારે બે દીકરીઓના ખાતા ખોલાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...