તંત્ર નિંદ્રાધીન:નેત્રંગથી ડેડિયાપાડા સુધીનો હાઇવે માત્ર 2 વર્ષમાં જ ખખડધજ બન્યો

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નેત્રંગ પાસે હાઇવે બિસમાર હાલતમાં જોવા મળ્યો હતો. - Divya Bhaskar
નેત્રંગ પાસે હાઇવે બિસમાર હાલતમાં જોવા મળ્યો હતો.
  • ખાડાઓ પૂરવામાં અખાડાઓથી નિર્દોષ લોકોના જીવ જવા છતાં તંત્ર નિંદ્રાધીન

નેત્રંગના કુપ પાટીયા પાસે ખાડાના કારણે કાર ખાડીમાં ખાબકતાં એક જ પરિવારના 3 સભ્યોના જીવ ગયાં છે. નેત્રંગથી ડેડિયાપાડાને જોડતાં માર્ગની વાત કરવામાં આવે તો આ હાઇવે બે વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો પણ ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે.

જુલાઈ મહિનામાં વરસાદ ચાલુ થતા જ ગાબડાઓ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. નેત્રંગથી ગાબડા શિવજીમંદિરથી લાલમટોડી, ચંદ્રવાણ, કૂપ, કોડવાવ, અરેઠી, ફુલવાડીચોકડી, થવા,ઘાણીખૂટ, સેજપુર,નિંગટ અને ડેડિયાપાડા સુધીમાં હજારો ગાબડા પડતા સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે. નેત્રંગથી ડેડીયાપાડા નેશનલ હાઇવેના રસ્તા પર પડેલા ખાડાને કારણે કેટલીએ વખત અકસ્માત થઈ રહ્યા છે અને તેમાં નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે પરંતુ તંત્ર નિંદ્રાધીન હોય તેમ લાગી રહયું છે.

નેત્રંગ ડેડિયાપાડા રોડ ઉપરના આ ગાબડાઓમાં વરસાદી પાણી ભરાય જતા તેની ઊંડાઈ કેટલી છે તે અંદાજ નહિ આવતા વાહન ચાલકોનું વાહન પડતા ગંભીર પ્રકારના અકસ્માત થઈ રહ્યા છે.સરેરાશ આ ખાડાઓ બચાવવામાં અને તેમાં પડવાથી રોજના ચારથી પાંચ અકસ્માત સર્જાય છે.

25 કિમીનો રસ્તો ઉબડખાબડ બન્યો છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ 753 B નેશનલ હાઈવેએ સોંપી દીધો છે માર્ચ 2020માં આ રસ્તો એસ. બી. પટેલ વડોદરાની એજન્સીને આશરે 13 કરોડના ખર્ચે ટેન્ડર મુજબ બનાવવા આપવામાં આવ્યો હતો. આ 25 કિલોમીટરના રસ્તામાં ઘણા ખાડા પડી ગયા છે અને કોન્ટ્રાક્ટરની એક વર્ષનો હજી વોરંટી પિરિયડ બાકી છે. > એન. કે.વાછાણી, ડે. ઈજનેર, NHAI.

અન્ય સમાચારો પણ છે...