આખા દિવસની મુસાફરી પછી અમે એક એવા વિસ્તારમાં પ્રવેશ્યા, જ્યાં પ્રકૃતિએ મારું સ્વાગત એક અલગ પ્રકારના સંગીતથી કર્યું. કોઇપણને પોતાના મોહપાશમાં જકડી લેવા સમર્થ એવી પ્રકૃતિ, પક્ષીઓના કલરવ અને મંદમંદ વહેતી કોસી નદીના પાણીનો રવ લયબદ્ધ રીતે મને હિમાલયના પાલવમાં એક બાળકની માફક આવકારી રહ્યો હતો. સાલનાં વિશાળકાય વૃક્ષો અને નાનકડો એવો વર્તુળાકાર રસ્તો પોતે જ મારી સાથે આંગળી પકડીને મુસાફર બનીને ચાલતો હોય એવું હું અનુભવી રહ્યો હતો. સૂર્યનાં કિરણો ગાઢ જંગલને વીંધીને ધરણીને ચૂમી રહ્યાં હોય એવું અપ્રતીમ દૃશ્ય જોઇ ને ઘડીભર માટે પણ છોડીને જવાનું મન ન થાય. ક્ષિતિજ પર ડૂબી રહેલા સૂરજના પ્રકાશથી સોનેરી રંગે રંગાયેલો રસ્તો પણ જાણે અધીરો થઈને ક્ષિતિજને મળવા જઈ રહ્યો હોય એવું દીસતું હતું. ડૂબતા સૂરજનાં કોસીમાં પડતાં સોનેરી કિરણો અને જંગલનો પડછાયો જાણે કોઇ ચિત્રકારે બનાવેલી બેનમૂન કૃતિ હોય એવો ભાસ થતો. કોસી નદીના પટ પર પડતા સૂરજના પડછાયાને જોઇને ઘડીભર માટે એવું થઈ ગયું કે એક નાનકડો પથ્થર ફેંકીને સૂરજના સોનેરી કાટમાળને પાણીની સપાટી પર તરતો જોઇ રહું. ગાડીની ઝડપ આપોઆપ ધીમી પડી ગઈ. લીલાછમ્મ પર્વતોના ઢોળાવમાં સરસ માટીનાં બનેલાં ઘરો અને નાનાં એવાં ગામડાંને જોઈને કાયમ ત્યાં જ વસવાટ કરવાનું મન થઇ જાય. ગોધૂલીવેળાએ ઢોર-ઢાંખર, બકરીઓને લઈને ગામના લોકો ઘર તરફ પરત ફરી રહ્યા હતા. પોતાના માળા તરફ પરત ફરી રહેલાં પક્ષીઓનો કલરવ વધી રહ્યો હતો. હું મારા નિયત કરેલ સ્થળ પર પહોચું તે પહેલાં સૂરજ ડૂબી ગયો હતો અને અંધારું ઘેરી વળ્યું હતું. અંધારું થવા છતાં રસ્તો સ્પષ્ટ પણે જોઈ શકાય એટલો તો ઉજાસ હતો જ. જંગલમાં અંધારું અને રાની પશુઓના ભયાવહ અવાજો સતત ભય પ્રેરે તેવાં હોય, છતાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને રોમાંચ મને વધારે ને વધારે સમય માટે આ ઊઘડતી રાત્રિને માણવા માટે પ્રેરતો હતો.
જ્યાં રસ્તો પોતે જ એક મંજિલ છે, જ્યાં કુદરત તમારા પર ઓળઘોળ છે એવો અનુભવ દરેક પગલે થાય, જ્યાં વન્યસૃષ્ટિ અને હિમાલયની નદીઓનું મધુર ગાન તમને સંગાથ આપે એવો વિસ્તાર એટલે હિમાલયની પર્વતમાળામાં આવેલા દેવભૂમિ ઉત્તરાખંડ રાજ્યનો ‘જિમ કોર્બેટ નેશનલ પાર્ક’. ભારત દેશનો સહુથી પહેલો નેશનલ પાર્ક જે ઈ.સ. 1936માં ‘હેલી નેશનલ પાર્ક’ તરીકે સ્વીકૃત થયો. દેશની આઝાદી પછી ‘રામગંગા નેશનલ પાર્ક’ તરીકે ઓળખાયો, પણ 1956માં જિમ કોર્બેટના નામથી જ ‘જિમ કોર્બેટ નેશનલ પાર્ક’ તરીકે તેનું નામકરણ થયું, જેઓ એક બ્રિટીશ શિકારી હતા, પણ તેઓએ કેમેરા સામે બંદૂક પડતી મૂકી અને પર્યાવરણ તથા વન્યજીવ સંરક્ષણની પ્રવૃત્તિમાં લાગી ગયા અને નેશનલ પાર્કની સ્થાપનામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમણે લખેલાં પુસ્તકો આ જંગલનો ખરો ચિતાર રજૂ કરે છે, જેમાં કોર્બેટ નેશનલ પાર્ક વિશે રહસ્યમય વાતો પણ છે, તેમના અનુભવોની ચર્ચા છે, તેમણે જંગલમાં ખેડેલા પ્રવાસ અને રાત્રિવર્ણન પણ છે. તેમણે અહીં નાની હલ્દ્વાની નામનું ગામ વસાવ્યું, આજે અહીં જિમ કોર્બેટનું સંગ્રહાલય પણ છે, જેમાં એમણે શિકાર કરેલા માનવભક્ષી વાઘ અને દીપડાના મૃતદેહને સાચવી રાખ્યા છે. રામનગર ગામથી જ જંગલવિસ્તારની શરૂઆત થાય છે. અહીં અગોચર વિશ્વનું સંગીત સતત વહ્યા કરતું હોય એવો અહેસાસ થાય છે.
521 ચો.કિમી. વિસ્તારમાં પથરાયેલા જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં 600 જેટલાં પક્ષીઓની વિવિધતમ પ્રજાતિઓ, 488 જેટલાં વિવિધતમ જાતનાં છોડવાંઓ અને વૃક્ષો, અલગ અલગ પ્રજાતિઓનાં જીવજંતુઓ, પ્રાણીઓ, સરિસૃપ વગેરે અહીં જોવા મળે છે. રોયલ બેંગાલ વાઘ માટે જાણીતો આ નેશનલ પાર્ક હિમાલયની નયનરમ્ય પર્વતમાળાઓ, કોસી અને રામગંગા નદીના પટ જેવા પ્રાકૃતિક દૃશ્યથી સજ્જ ભારતનો સહુથી ખૂબસૂરત નેશનલ પાર્ક છે. હાથીઓનાં ટોળાં અહીંનું મુખ્ય આકર્ષણ છે. વન્યજીવોના તસવીરકારો, પક્ષીવિદો, પ્રકૃતિપ્રેમી લોકો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીં દરેક પગલે એક અદભુત વાઈલ્ડ વોયેજનો અનુભવ થાય.
જિમ કોર્બેટ પાર્કના ‘બેસ્ટ’ ઝોન
ઢીકાલા ઝોન કોર્બેટ નેશનલ પાર્કનો મહત્ત્વનો ઝોન છે. કોઈ પણ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર આ ઝોન પર જ પસંદગી ઉતારે છે. પરિણામે અહીં બુકિંગ મળવું લગભગ મુશ્કેલ છે. અહીં જંગલની વચ્ચે જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી રહેવા માટે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સુલતાન, સર્પદુલી, ગૈરલ અને ઢીકાલા ફોરેસ્ટ હાઉસ આવેલાં છે, જે ધનગઢી ગેટથી 40 કિમી જંગલની અંદર આવેલાં છે. ત્યાં સુધી પહોંચવાના રસ્તાની મુસાફરી પણ એક અદભુત સફર કહી શકાય.. રસ્તામાં લગભગ મોટાભાગનાં પ્રાણીઓ વિહરતાં જોવા મળે છે અને ક્યારેક ક્યારેક વાઘ પણ રસ્તો રોકીને રાજાની જેમ જ રસ્તા પર જ બેઠા હોય. એક વખત સફારી શરૂ થાય એટલે રોમાંચિત થઈ જવાય. જંગલનો રસ્તો અને રામગંગા નદીનો પટ આખા જ જંગલને એક ચિત્રકૃતિ જેવી ઝાંખી કરાવે. આંખો ક્યાંક ને ક્યાંક વન્યસૃષ્ટિમાં પ્રાણીઓને શોધે. ડ્રાઇવર અને ગાઇડ થોડી થોડી વારે ગાડી ઊભી રાખીને ધ્યાનથી રસ્તા પર જુએ જાણે કંઇક શોધી રહ્યો હોય, પરંતુ તેઓ વાઘ અને દીપડાનાં પદચિહ્નો શોધતા હોય છે, જેનાથી તાજેતરમાં વાઘ કે દીપડો કઈ દિશામાં ગયો છે એ ખ્યાલ આવી શકે. આ વિસ્તારની પ્રખ્યાત વાઘણ ‘પારવાળી’ અહીનું મુખ્ય આકર્ષણ છે. પારવાળી નામ એટલા માટે કેમ કે એ રામગંગાની પેલે પાર રહે છે અને આ વિસ્તારમાં રહેવા આવી છે. અત્યારે પારવાળી બચ્ચાંઓ સાથે વિહરી રહી છે. લગભગ 20-25 જેટલા સફારીનાં વાહનો વચ્ચે પણ એ પોતાના આગવા અંદાજથી રસ્તા પર કલાકો સુધી બેસી રહે છે.
હરણાંઓનું ટોળું અચાનક જ રસ્તો બદલી નાખતું જોવા મળે, તો ક્યાંક સ્થિર થઇને ચરતાં હરણો ચમકીને, કાન અણિયાળા કરીને આસપાસ નજર કરી લે. ચરતાં ચરતાં પણ થોડી થોડી વારે સચેત થઇને ચારે દિશાઓમાં જોઈ લે. જંગલનું વાતાવરણ એક અલગ જ રીતે શાંત થઈ જાય, વાંદરાઓ ઝાડની ટોચ પર ચઢી જાય, પક્ષીઓ ભયસૂચક રીતે ટહુકવા લાગે, વાંદરાઓ અને સાંભર હરણો પણ એકબીજાને ચેતવણી માટેના ભય પ્રેરે તેવા અવાજો સાંભળતાં જ આપણને ધડકન પણ ચૂકી જવાય એવો અનુભવ થાય કેમ કે આવા સમયે ક્યાંક ને ક્યાંક આસપાસ વાઘ કે દીપડો હોવો જોઈએ. જંગલના દરેક જાનવરની પોતપોતાની અંદર અંદર વાર્તાલાપ કરવા માટેની એક આગવી ભાષા હોય છે. અહીં એ ભાષા અને રીત પ્રત્યક્ષ જોઈ તથા અનુભવી શકાય. પ્રકૃતિના આ પાલવમાંથી કોઈ પણ રીતે બહાર આવવાનું ન જ ગમે. ચેતવણીસૂચક ભય પ્રેરે તેવી ચીસો, પ્રાણીઓમાં અસામાન્ય વર્તન, બધાં જ હરણો એક જ સ્થળે ભેગાં થઇ જાય તેવું દૃશ્ય વગેરે અહીં સરળતાથી જોવા મળે એટલે સમજી જવાનું કે વાઘ કે દીપડો આવી ગયો. ગાઈડને પણ વાંદરાઓ આ રીતે જ વાઘ અને દીપડાને સરળતાથી શોધવામાં મદદરૂપ થાય છે. દરેક રસ્તાની બાજુ પર આવેલા ઝાડ પર ઊંચે સુધી તીક્ષ્ણ નહોરથી ઊંડા ઘા પાડેલા અને પેશાબથી પોતાના સામ્રાજ્યની નિશાની કરેલી જોવા મળે. વાઘ સામાન્ય રીતે આવાં સૂચક નિશાનો પોતાની હદ દર્શાવવા માટે કરે છે જેથી બીજો કોઈ પણ હરીફ વાઘ જે તે વાઘના વિસ્તારમાં ના પ્રવેશી શકે. છતાં પણ જો કોઈ વાઘ બીજાની હદમાં પ્રવેશે તો બંને વચ્ચે ટેરિટરી ફાઈટ થાય છે અને એ ફાઇટ એટલી હદે ખતરનાક હોય છે કે મોટા ભાગના કિસ્સામાં વાઘ ગંભીર રીતે ઘાયલ થઇ જાય છે, તો ક્યારેક મરી પણ જાય છે. ચેલેન્જ આપવા માટે એક વાઘ બીજા વાઘના વિસ્તારમાં આવીને જે તે ઝાડ પર પોતાના નહોર વડે વધારે ઊંચા નિશાન કરવા પ્રયત્ન કરે છે. જે તે વિસ્તારનો વાઘ જો લડાઈમા હારી જાય કે સામનો કરવા સક્ષમ ના હોય તો તેણે પોતાનો વિસ્તાર હમેશા માટે છોડવો પડે છે. ટૂંકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જંગલમાં હાથી હોય કે વાઘ દરેકે પ્રયત્નશીલ રહેવું પડે છે નહીતર એક જ માનાં બે સંતાનો હોય તો પણ જે વધારે તાકાતવાન હોય એ જ જંગલ પર રાજ કરે છે.
ધરતીમાતાનું આભૂષણ એવું જંગલ અનેક વિસ્મયોથી ભરેલું છે. આખું જંગલ છ અલગ અલગ વિસ્તારોમાં વહેંચાયેલું છે. ઢીકાલા, બિજરાની, દુર્ગાદેવી, સીતાબની, ઝિરના અને સોનાનડી. ઢીકાલા ઝોનમાં હાથીઓ મસ્તીથી વિહરતા જોવા મળે છે. રામગંગાના પટ આસપાસ મસ્તીથી ઝૂંડ પસાર થઇ રહ્યું હોય છે ત્યારે તેઓ જંગલમાં અદૃશ્ય થઈ જાય ત્યાં સુધી તેમને જોતા રહેવું એ એક લ્હાવો છે. રસપ્રદ વાત એ છે કે હાથીઓનાં ઝૂંડને માદા હાથી નિયંત્રણ કરે છે. તે જ નક્કી કરે છે કે કયો નર એના એના ઝૂંડમાં રહેશે. હાથી પોતાનાં બચ્ચાંઓ પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે અને બચ્ચાઓ પર સહેજ પણ જોખમ જણાય કે તેઓ આક્રમક બની જાય છે. માત્ર જંગલ જ નહીં, પણ જંગલ બહારના રસ્તા પર પણ હાથી ચાલતો હોય ત્યારે રસ્તો રોકાઈ જાય છે. પર્યાવરણ વિભાગના નિર્દેશ અનુસાર અહીં જંગલી પ્રાણીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યાં સુધી પ્રાણી પસાર થઈ ન જાય ત્યાં સુધી વાહન જે તે સ્થળ પર જ રોકી દેવામાં આવે છે. હાથી આક્રમકતામાં વાઘ કરતાં પણ વધારે ખતરનાક હોય છે. મા પોતાનાં બચ્ચા સાથે ચાલી રહી હોય ત્યારે જંગલની રોનક અદભુત દીસે અને વિશાળ અરણ્યમાં કુદરતી સુંદરતાનો નજારો બધી ભૌતિક સુવિધાઓને ભુલાવી દે. ઘાસનાં વિશાળ મેદાનો પણ અહીં આવેલાં છે, જેમાં ક્યારેક વાઘ છુપાઈને બેસી રહે છે, તો ક્યારેક હાથી સહપરિવાર અહીં મિજબાની માણતા જોવા મળે છે. સામાન્યતઃ વાઘ અહીં સમૂહમાં જોવા નથી મળતા, પણ જો મા સાથે બચ્ચાંઓ નાનાં હોય તો ચોક્કસ જોવા મળે છે. ઢીકાલા સિવાય બીજરાની ઝોન પણ વાઘ માટે પ્રખ્યાત છે. ઢીકાલામાં જંગલનો અનુભવ ખૂબ જ અનૂઠો થાય છે. અહીંના લેન્ડસ્કેપ્સને વિશ્વભરના ફોટોગ્રાફર્સએ કેમેરામાં ઝડપ્યા છે. કોર્બેટ નેશનલ પાર્ક ચોમાસા દરમ્યાન 15 જૂનથી 15 નવેમ્બર સુધી બંધ રહે છે.
કોર્બેટ સિવાય કુમાઉંમાં બીજું શું જોશો?
કોર્બેટ નેશનલ પાર્ક સિવાય આગળ વધતા કુમાઉં વિસ્તાર પક્ષી અભ્યાસ માટે વિશ્વવિખ્યાત છે. કુમાઉંમાં વહેતી અલગ અલગ નદીઓની ધારાઓમાં રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. અહીં પ્રકૃતિપ્રેમીઓ મહિનાઓ પક્ષીઓ પાછળ જ ગાળે છે. અહીંના પક્ષીઓ ખૂબ જ સુંદર હોય છે. સાહિત્યમાં મોટાભાગે જેનો ઉલ્લેખ થયો છે એવું દૂધરાજ અહીં ખૂબ જ સરળતાથી જોવા મળે છે. લીચીના બગીચાઓમાં તે માળાઓ બનાવે છે. સામાન્ય રીતે જ્યાં વધારે કરોળિયાઓ હોય ત્યાં દૂધરાજના માળાઓ હોય છે કેમ કે દૂધરાજ કરોળિયાનું જાળું માળો બનાવવા માટે વાપરે છે. આ જ વિસ્તારમાં નૈનીતાલથી 15 કિમી જેટલું આગળ સાત-તાલ નામનું સ્થળ આવેલું છે, જે પક્ષીઓની વિવિધતમ પ્રજાતિઓ જોવા માટેનું અદભુત સ્થળ છે. તે નામ પ્રમાણે જ સાત અલગ અલગ તળાવોથી બનેલું છે. સમુદ્રતટથી 1370 મીટરની ઊંચાઈએ આવેલા આ સ્થળે નાની નાની એકધારી વહેતી નદીનોની ધારાના સંગીત સાથે પક્ષીઓનું મધુર ગાન લયબદ્ધ રીતે સાંભળવા મળે છે, જેની સામે દુનિયાનું તમામ સંગીત વામણું લાગે. પાઈન અને ઓકનાં વૃક્ષોનું આ જંગલ ત્યાંનીબાયોડાયવર્સીટી માટે વિશ્વ વિખ્યાત છે. આ સ્થળ એક પ્રકારનું કુદરતી મેડિટેશન આપે છે. આ સ્થળ પર આવીને મેં કલાકો સુધી અલગ અલગ પક્ષીઓનાં વર્તનને જોયું છે, જાણ્યું છે અને માણ્યું છે. સ્પોટેડ ફોર્ક્ટેલ નામનું પક્ષી પિતૃપ્રેમ માટે જાણીતું છે. પક્ષીવિશ્વમાં ખરી સંવેદનશીલતા છે. મેં હંમેશા જોયું છે અને અનુભવ્યું છે કે પક્ષીઓ ઈંડાં મૂકે, સેવે અને જવાબદારીપૂર્વક જતન કરીને બચ્ચાંઓને ઉછેરે. એ પણ મા અને બાપ સરખી જવાબદારીઓ લઈને, જે માળો બનાવવાની પ્રક્રિયાથી જ શરૂ થઈ જાય. બચ્ચાઓ બરાબર ઉડતા શીખી જાય, કોઈ પણ ખતરો હોય તો પ્રતિકાર કરતા શીખી જાય, ટૂંકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે એટલી ક્ષમતા એમનામાં આવે ત્યાં સુધીએમને સાચવે… ત્યાર બાદ એ બચ્ચાઓ સંપૂર્ણ પણે સ્વતંત્ર. માતાપિતા સાથેની બધી જ માયા છોડીને સ્વતંત્ર પણે જીવન શરૂ કરે. હિમાલયના સાત તાલ એટલે કે સાત તળાવોનો સમૂહ તે વિસ્તારમા આવેલ ચાંફીમાં સ્પોટેડફોર્કટેઇલ મેલને મેં કલાકો સુધી જોયું છે જે બચ્ચાંને ખવડાવે છે. પિતા પણ માતૃત્વ નિભાવે છે. શાંતિથી બેસીને માત્ર ચાર-પાંચ ફૂટના અંતરેથી પક્ષીઓના અલગ અલગ પ્રકારના વર્તનને નજર સામે જોઈ શકીએ જાણે આપણી સામે કુદરતી ડિસ્કવરી ચેનલ શરુ કરીને મૂકી હોય. આ જગ્યા આશરે 500 જેટલાં વિવિધ પ્રજાતિનાં પક્ષીઓનું ઘર છે જેમાં કેટલાંક યાયાવર પક્ષીઓ પણ છે. ઓકટોબરથી જૂન મહિના દરમ્યાન અહીં પક્ષીઓને જોવાની શ્રેષ્ઠ તકો મળે છે, પણ અપ્રિલ મહિનામાં અહીં મોટાભાગના પક્ષીઓનું બ્રીડિંગ ડિસ્પ્લે જોવા મળે છે. નર પક્ષી સામાન્ય રીતે નર માદા કરતાં વધારે ખૂબસૂરત અને આકર્ષક હોય છે અને એ માદાને આકર્ષવા માટે વિવિધ પ્રકારના દેખાવ થતા સૂરીલા અવાજો કરે છે.
કુદરતનો વૈભવ અહીં સાતતાલ, ચાંફી અને પંગોત વિસ્તારમાં જોવા મળે છે. સાતતાલથી 15 કિમી દૂર આવેલ પંગોત વિસ્તારમાં ખૂબ જ જાણીતી બર્ડ ટ્રેઈલ છે જ્યાં ચીર ફિઝન્ટ અને ખલીજ ફિઝન્ટ જોવા માટે દુનિયાભરના પક્ષીવિદો અને પર્યાવરણ રસિકો દર વર્ષે આવે છે. આ જગ્યાને વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ ‘સ્ટુડિયો’ના હુલામણા નામથી ઓળખે છે, કેમ કે અહીં કોફીનો મગ અને કેમેરા લઇને કોઈ પણ જગ્યાએ શાંતિથી બેસી જાઓ તો આખા દિવસ દરમ્યાન લગભગ 50થી 100 અલગ અલગ પક્ષીઓના ફોટોગ્રાફ લઇ શકો, એ પણ જગ્યા બદલ્યા વિના! જાણે કે પક્ષીઓ સ્ટુડિયોમાં ફોટોગ્રાફ્સ પડાવવા માટે જ આવતાં હોય. આ સિવાય ચાફી નામનું નાનકડું ગામ છે ત્યાં પણ વિવિધ રંગોનાં પક્ષીઓ જોવા મળે છે જેમ કે સ્પોટેડ ફોર્ક્ટેલ, ક્રેસ્ટેડ કિંગફિશર, વિવિધ પ્રકારના રેડસ્ટાર્ટ અને નસીબ હોય તો ટોની ફીશ આઉલ પણ મળે છે અહીં.
ટાઇગર સે આગે કોર્બેટ ઔર ભી હૈ...
કોર્બેટમાં આવતા ઘણા પ્રવાસીઓને મેં અહીં વીલા મોઢે પરત ફરતા પણ જોયા છે, જેમના ચહેરા પર એક પ્રકારનો અફસોસ હોય છે કે અમને વાઘ ના દેખાયો, પણ જો તેઓ માત્ર ટાઈગરની અપેક્ષાથી નહિ પણ જંગલના વૈભવને માણવા માટે આવે તો દરેક વ્યક્તિ અચૂક કંઇક ને કંઈક એવું લઇને જાય છે જે તેમણે ક્યારેય ના જોયું હોય. મેં એવા પણ વ્યક્તિઓને જોયા છે કે જેઓ ચોક્કસ પ્રકારના પક્ષી જોવા માટે હજારો કિમી દૂરથી આવ્યા હોય છે અને તેઓ ચોક્કસ નક્કી કરેલા પક્ષી પાછળ દિવસોના દિવસો અલગારી માફક ઘૂમ્યા કરે છે, મારા જેવા ફોટોગ્રાફર જેટલા મળી જાય તેટલાં અલગ અલગ પક્ષીઓને કેમેરામાં ઝડપ્યા કરે. જ્યાં જુઓ ત્યાં કોઈ ને કોઈ ફોટોગ્રાફર 400 એમ.એમ.થી લઇને 900 એમ.એમ. સુધીના લેન્સ સાથે નજરે પડે છે. અહીં પક્ષીઓનું ચેકલિસ્ટ જોઈએ તો પણ 500 પ્રજાતિ કરતાં વધી જાય.
અહીં પ્રકૃતિનું સૌંદર્ય જોવા માટે ધીરજ, નાના એવા પક્ષીઓને શોધવા માટે ચપળ નજર, યોગ્ય પળને કેમેરામાં ઝડપવા માટેની તકેદારી, કદાચ કોઈ મોમેન્ટ ચૂકી જવાય તો ફરી મળવાની આશા સાથે અખૂટ ધીરજ, વહેલી સવારે સૂર્યોદય પહેલાં જ ઊઠી જવું અને પ્રકૃતિના ટાઇમટેબલ પ્રમાણે પોતાની જાતને કેળવવી, ખૂબ જ ચાલવું અને પક્ષીઓના વર્તનનો ઊંડાણપૂર્વક અભ્યાસ, અવલોકન જેવી દરેક બાબતોના પાઠ અહીં મળી જાય છે. હિમાલયનો અલગ જ રંગ અહીં દરેકને આકર્ષે છે. દેવભૂમિ ઉત્તરાખંડ ખરેખર દૈવી છે, એટલે જ અહીં કુદરત વાસ કરે છે અને અહીં કુદરતની નજીક હોઈએ એવી અનૂભૂતિ દરેક વેલીમાં, દરેક વહેતાં ઝરણામાં , અલકનંદા, ભાગીરથી, રામગંગા, કોસી નદીના પટમાં, દરેક પક્ષીઓની પાંખમાં, એમના ટહુકાઓમાં, વાઘની ત્રાડમાં, હરણાંઓની નિર્દોષતામાં ખરેખર થાય છે. અહીં ઘડિયાળ પણ પક્ષીઓનાં મધુર ગાન, હરણોના ઘૂરકાટ અને વાઘ-દીપડાની ત્રાડ પ્રમાણે ચાલે છે. રોજે જ હાથીઓ આપણે જ્યાં રહીએ એવા વિસ્તારની આસપાસથી જ પસાર થાય તો ક્યારેક વાઘ પણ સામો મળી જાય. આપણે જ્યારે પ્રકૃતિના ઘરે જઈએ પ્રકૃતિના નિયમાનુસાર રહીએ તો પ્રકૃતિ હંમેશાં કંઈક ને કંઈક બક્ષે જ છે. જંગલ એ તેઓનું ઘર છે, અને કોર્બેટ નેશનલ પાર્ક એ જ વિસ્તાર છે જે ભૂતકાળમાં નરભક્ષી વાઘ અને દીપડાઓ માટે જાણીતો હતો. અહીં આખું જંગલ પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે અને પ્રકૃતિના નિયમને પ્રત્યક્ષ જોવો એ કુદરતની ભેટ કહી શકાય.
જિમ કોર્બેટે પોતાની બુક ‘જંગલ લોર’ (Jungle Lore)માં લખ્યું છે કે, ‘મેં જંગલમાં જેટલો સમય વીતાવ્યો છે તે સમયે મને અખૂટ ખુશીઓ જ આપી છે. હું માનું છું કે મારી ખુશીનું ખરું કારણ પણ મુક્ત મને વિહરતાં જીવો જ છે જેઓ સ્વતંત્ર મિજાજે પ્રકૃતિમાં મહાલે છે. પ્રકૃતિમાં કોઈ ચિંતાનું અસ્તિત્વ જ નથી હોતું કે કોઈ અસંતોષ નથી હોતો. પ્રકૃતિના નિયમ પ્રમાણે ટોળામાંથી જો કોઈ પક્ષીનો શિકાર થાય કે કોઈ પશુનો શિકાર થાય તો જેઓ બચી ગયા છે તેઓ આનંદમાં પોતાની આજને એ રીતે માણે છે કે આપણો જવાનો સમય આજે તો નથી જ આવ્યો અને આવતી કાલનું તેઓ કંઇ જ વિચારતા નથી.’
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.