આક્રોશ:નેત્રંગ કેળવણી મંડળમાં 16 વર્ષથી સેવા આપતા શિક્ષકોને છૂટા કરી દેવાતા વિવાદ

નેત્રંગ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાના હિત માટે કાળજી પૂર્વક આ નિર્ણય લેવાયો છેઃ પ્રમુખ
  • ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ કરવા વાલીઓની માંગણી

નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષ પણ વધારે સમયથી સેવા આપતાં 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા શિક્ષકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ હતી. જયારે બીજી તરફ વિધાર્થીઓનાં શિક્ષણ પર માઠી અસર થવાની ભીતિ પણ ઊભી થઈ હતી. શાળાના તમામ શિક્ષકોને એક સાથે છૂટા કરી દેવાતા વિધાર્થીઓનું ઓન લાઈન શિક્ષણ ખોરંભે પડ્યું છે. સંસ્થાના પ્રમુખ અને મંત્રી સાથે શુક્રવારે શિક્ષકોની મિટીંગ યોજાઈ હતી. જેમાં શાળા પાસે ભંડોળ ન હોવાથી શિક્ષકોને છુટા કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું.

નોટિસ આપ્યાં વિના જ 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યાં હતા. 16 વર્ષ ઉપરાંતથી સંસ્થા સાથે જોડાયેલાં હોવા છતાં નોટિસ આપ્યાં વિના છૂટા કરી દેવાતા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ નેત્રંગ પથકમાં ખ્યાતનામ સંસ્થાએ બે જવાબદારી ભર્યું પગલું ભરતાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.આ બાબતનો પ્રશ્ન સંસ્થાના પ્રમુખ રોશન ભક્તને પૂછતાં શિક્ષકોને છુટા કરવાનો નિર્ણયનુ સમર્થન આપી સંસ્થાના હિત માટે કાળજી પૂર્વક આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

ત્રણ મહિના માનદ વેતન વિના નોકરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છતાં છૂટા કરી દીધા
નેત્રંગ વિભાગ કેળવણી મંડળના છુટો કરાયેલા શિક્ષકોએ જણાવ્યું કે, નવા શૈક્ષણિક વર્ષનાં શરૂવાતમાં તમામને છૂટા કરવાનો નિર્ણય વ્યાજબી નથી. મે મહિનામાં છુટા કરી દીધા હોત તો કોઈ બીજી શાળાના દરવાજા ખવડાવી શક્યા હોત પરંતુ હવે એ વિકલ્પ પણ ખુલ્લો રહ્યો નથી. તમામ શિક્ષકોએ ભેગા મળી આવનારા ત્રણ મહિના માનદ વેતન વીના પણ નોકરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો છતા નોટિસ આપ્યા વિના 11 મહિનાનો કરાર પૂર્ણ થાય છે એમ કહી શિક્ષકોને છૂટા કરી દીધા હતા.

શિક્ષણ ચાલુ ન થાય તો શાળાનો ઘેરાવો કરીશુ
કોરોના કાળમાં તમામ લોકોને સમસ્યાનો સામનો કરવાનો પડયો છે. છતાં ગમે તેમ કરીને શાળાની ફી ભરી છે. છતાં પણ એક સાથે તમામ શિક્ષકોને છુટા કરી દીધા તે યોગ્ય નથી. બાળકોનો અભ્યાસ બગડશે તેની જવાબદારી કોણ લેશે ? બે દિવસમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ નહીં થાય તો વાલીઓ શાળાને ઘેરાવો કરશે.- વિનોદભાઈ, વાલી.

અન્ય સમાચારો પણ છે...