કરુણાંતિકા:ખાડાના કારણે કાર ખાડીમાં પડીઃ દંપતી-પુત્રીનું મોત

નેત્રંગ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત બાદ કારનો ખુડદો થઇ ગયો. - Divya Bhaskar
અકસ્માત બાદ કારનો ખુડદો થઇ ગયો.
  • સમસ્યા : ચોમાસાના પ્રારંભે જ રસ્તાઓ બિસ્માર બની ગયા
  • બચાવ : માત્ર 91 કિ.મી.ના રસ્તા ખરાબ થયાનો તંત્રનો દાવો
  • બેદરકારી : મોટા ખાડાઓ પૂરવાની તસ્દી લેવામાં ના આવી
  • પરિણામ : એક જ પરિવારના 3 સભ્યોના અકસ્માતમાં જીવ ગયાં
  • કુપ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત : નિવૃત્ત DYSPના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રીના જીવનદીપ બુઝાયાં

ચોમાસાની શરૂઆત થતાંની સાથે રાજયના મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયાં છે. અંકલેશ્વરથી ડેડીયાપાડાને જોડતો સ્ટેટ હાઇવે પર બિસ્માર હાલતમાં છે. અકસ્માતના બનાવો બની રહયાં હોવાનું જાણતા છતાં તંત્રએ ખાડાઓ પુરવામાં ઉદાસીનતા દાખવી હતી. નેત્રંગથી થોડે દુર રમણપુરા ગામ પાસે મુખ્ય માર્ગ પર પડેલો મોટો ખાડો પુરવામાં નહિ આવતાં આખા પરિવારને જીવ ગુમાવવો પડયો છે.

રાજપીપળાના વડિયા ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ. વસાવાનો 38 વર્ષીય પુત્ર સંદીપ વસાવા રાજવાડી ગામે રહી ખેતીનું કામ સંભાળતો હતો જયારે તેમના પત્ની યોગીતા કામલીયા ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતાં હતાં. દંપતિ તેમની પુત્રી મહી સાથે ગત રોજ રાત્રિના સમયે કાર લઇને હોટલમાં જમવા માટે ગયાં હતાં.

હોટલમાંથી જમીને પરત ફરતી વેળા રમણપુરા ગામ પાસે તેમની કાર ખાડામાં પટકાય કાર બેકાબુ બની જતાં રોડની સાઇડમાં આવેલી બલદવા ડેમની ખાડીમાં ખાબકી હતી. રાતનો સમય અને સુમસાન રસ્તો હોવાથી તેમને કોઇની મદદ મળી શકી ન હતી. આખો પરિવાર કારમાં જ ડુબી મર્યો હતો. મોડે મોડે બનાવની જાણ થતાં પોલીસ અને સ્થાનિકો સ્થળ પર પહોંચ્યાં હતાં. ખાડીમાંથી કારને બહાર કાઢવામાં આવતાં તેમાંથી પરિવારના ત્રણેય સભ્યોના મૃતદેહ મળી આવ્યાં હતાં.

કોઇનો લાડકવાયો છીનવાય તે પહેલાં ખાડા પૂરો
મારો દીકરો આખો દિવસ ખેતરમાં હતો. ગણેશ ચર્તુથીનો તહેવાર હોવાથી આખો પરિવાર કાર લઇને હોટલમાં જમવા માટે ગયો હતો. રસ્તામાં પડેલા ખાડાએ મારા આખા પરિવારનો માળો પીંખી નાંખ્યો છે. અન્ય કોઇનો લાડકવાયો છીનવાય તે પહેલાં તંત્રએ રોડ પર પડેલાં ખાડાઓ પુરાવવા જોઇએ. - લવઘણ વસાવા, મૃતકના પિતા.

સંદિપને બહાર કાઢ્યો ત્યાં સુધી શ્વાસ ચાલુ હતાં
બલદવા ડેમના ઓવરફલો થઇ રહયો હોવાથી આસપાસના વિસ્તારમાં તેના પાણી ફેલાયેલાં છે. વસાવા પરિવારની કાર ખાડીના પાણીમાં ખાબકી હતી. નેત્રંગના પીએસઆઇ શકિતસિંહ ચુડાસમા તથા તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસ જવાનોએ પાણીમાં ડુબકીઓ લગાવી કારનો પત્તો લગાવી લીધો હતો. કારના દરવાજા લોક હોવાથી કાચ તોડી તેમાં ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. માતા અને પુત્રીએ કારમાં જ દમ તોડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...