ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાંથી કોસ્ટીક સોડા લાઇ ટેન્કરમાં લઇને સુરતના હજીરા અદાણી પોર્ટ જવા નીકળેલ ટેન્કર ચાલકે રસ્તામાં રુ.ત્રણ લાખ ઉપરાંતની કિંમતનો કોસ્ટીક સોડા લાઇ સગેવગે કરીને બાકી રહેલા કોસ્ટીક સોડા લાઇમાં પાણી ભેળવી દીધુ હતું. મુળ ઉત્તરપ્રદેશનો અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો દિપક અશોક સિંગ અંકલેશ્વર ખાતેની એક રોડ લાઇન્સમાં ટેન્કર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત તા.10 મી ડિસેમ્બરના રોજ તે ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ એક કંપનીમાંથી રુ.6 લાખ રૂા. ની કિંમતનો કોસ્ટીક સોડા લાઇ ભરીને સુરતના હજીરા અદાણી પોર્ટ ખાતે જવા નીકળ્યો હતો.
આ દરમિયાન તેણે રસ્તામાં ટેન્કરમાંથી રુ.ત્રણ લાખ ઉપરાંતનો કોસ્ટીક સોડા સગેવગે કરી દઇને બાકી રહેલ કોસ્ટીક સોડા લાઇમાં પાણી ભેળવી દીધું હતું.ત્યારબાદ અદાણી પોર્ટ ખાતે ગાડી ખાલી કરવાની પ્રક્રિયા દરમિયાન કોસ્ટીક સોડા લાઇમાં પાણી ભેળવેલ હોવાની જાણ થતા ગાડી રીજેક્ટ થઇ હતી.
આ બાબતની જાણ થતાં ટેન્કર માલિક પ્રિત પટેલ સુરત ખાતે ગયા હતા, ત્યારે ટેન્કર અદાણી પોર્ટમાંથી બહાર લાવી પાર્કિંગમાં મુકેલુ હતું, અને તેનો ચાલક દિપક અશોક સિંગ ક્યાંક જતો રહેલ હતો. ઘટના બાબતે ટેન્કર માલિકે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાંથી નીકળતાં વાહનોમાંથી કેમિકલ અને માલસામાન ચોરીના કિસ્સાઓ સામે આવી રહયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.