ઝઘડીયા તાલુકાના તલાટીઓ સરકારને સદબુધ્ધિ આવે તે માટે પાવન સલિલા મા નર્મદાનું પુજન અર્ચન કર્યું હતું. પોતાની પડતર માગણીઓ સંદર્ભે રાજયભરના તલાટીઓ અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયાં છે. ઝઘડીયામાં તલાટી મંડળે અનોખા વિરોધના ભાગરૂપે નર્મદા મૈયાની પુજાનો કાર્યક્રમ રાખ્યો હતો.
છેલ્લા ચાર દિવસથી પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ પણ ઉતરેલા ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓએ સરકારને સદબુધ્ધિ મળે તે માટે નર્મદા મૈયાની પુજા અર્ચના કરી હતી. ઝઘડીયાના મઢી ઘાટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તલાટીઓ જોડાયાં હતાં.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા ૨૦૧૮ થી સતત રજુઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તલાટીઓ વર્ષ 2021માં પણ હડતાળ પર ઉતર્યા હતાં અને તે સમયે સરકારે પડતર માગણીઓ સ્વીકારવાની બાંહેધરી આપી હતી. આ બાંહેધરીને પણ નવ માસનો સમય વીતી ગયો હોવા છતાં એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ આવ્યો નથી.
ઝઘડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ 2 તારીખથી તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેઠા છે. શુક્રવારે તલાટીઓએ મઢી ઘાટ ખાતે નર્મદા મૈયાની પુજા અર્ચના કરી હતી અને સરકારને સદબુધ્ધિ આવે અને તેમની માગણીઓ સ્વીકારે તેવી પ્રાર્થના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.