બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ રાજયમાં દારૂબંધી સામે સવાલો ઉભા થયાં છે. ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાના પત્ની સરલાબેન વસાવાએ દારૂબંધીના મામલે સરકાર સામે મોરચો ખોલી નાંખ્યો છે. ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાના પત્ની સરલાબેન વસાવાએ દારૂબંધીના મામલે રાજય સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે. સાવિત્રીબાઈ ફૂલે મહિલા પ્રગતિ સેના અને ભીલીસ્તાન ટાઇગર સેનાના તેમજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયુકત ઉપક્રમે ઝઘડીયા ખાતે તંત્રવાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવાયું છે કે, ગુજરાતમાં 1960 થી દારૂ બંધી અમલમા છે પરંતુ ગુજરાતના ગામેગામ દેશી તથા વિદેશી દારૂનું વેચાણ થાય છે. હલકી ગુણવત્તાનો દારૂ પીવાથી યુવાનો મૃત્યુ પામી રહયાં છે અને મહિલાઓ વિધવા બની રહી છે. અધિકારીઓ તથા નેતાઓની મિલિભગતથી બુટલેગરો કરોડો રૂપિયાનો દારૂનો ધંધો કરી રહયો છે. રાજ્યમાં સારી ગુણવત્તાનો દારૂ મળી રહે તે માટે દારૂની છુટ આપી દેવી જોઇએ અથવા લોકો હલકી ગુણવત્તાનો દારૂ ન પીએ તે માટે દારૂબંધીનો કડક અમલ થવો જોઇએ તેવી માગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.