સમસ્યા:ઉમલ્લાની મહિલાઓનો પાણી મુદ્દે પંચાયતે હલ્લો

ઝઘડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતની તાકીદે સમસ્યાના હલ કરવાની બાંહેધરી

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે વોર્ડ નંબર છ ના ભગતફળિયાની મહિલાઓએ આજરોજ પીવાના પાણીની સમસ્યાને લઇને ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ ચારેક મહિના જેટલા સમયથી અહિયાં પાણીની સમસ્યા છે. પાઇપ લાઇન તુટી જવાની વાત પણ તેમણે રજુ કરી હતી. ઉપરાંત પીવાન‍ા પાણીમાં ગટરનું પાણી ભેગુ થતું હોવાનો પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. ગ્રામજનોએ તેઓ વેરા ભરતા નથી એમ ગ્રામ પંચાયત દ્વારા કહેવાતુ હોવાની વાત ઉચ્ચારી હતી.

દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ સરોજબેન વસાવાએ આ અંગે જણાવ્યુ કે આજરોજ મહિલાઓ રજુઆત કરવા આવી હતી, તે સમયે તલાટી પંચાયતમાં હાજર ન હતા પરંતુ ઉપસરપંચ ઉષાબેન વસાવા તેમજ પંચાયત સદસ્યો સાથે મળીને સમસ્યાનું જલ્દીથી નિવારણ લાવવાની ખાતરી આપી હતી. પીવાના પાણીની સમસ્યા અંગે ગ્રામ પંચાયત દ્વારા વધુમાં જણાવાયુ હતુ કે પાઇપ લાઇન બ્લોક થઇ જવાથી સમસ્યા સર્જાઇ હતી, જોકે હાલમાં કામગીરી ચાલુ હોવાનું જણાવ્યુ હતું. ત્યારે હાલતો ગ્રામજનો ગટર અને પાણીની સમસ્યાનું નિવારણ નહિ આવેતો આંદોલનની ચીમકી આપી રહ્યા છે, અને ગ્રામ પંચાયત સત્તાધીશોએ સમસ્યાના હલ માટે કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...