સમસ્યા:ઉમલ્લા ગામે ભારે વાહનોથી બજારનો મુખ્ય રસ્તો બિસ્માર બનતાં લોકો વિફર્યાં

ઝઘડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેતીની લીઝમાંથી રોજની સેંકડો ટ્રકો પસાર થતી હોવાથી રસ્તો બેસી જતાં સમસ્યાં

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામના મુખ્ય બજારમાંથી પસાર થતી રેતીની ટ્રકોથી બજારનો રસ્તો બિસ્માર બનતો હોવાની ફરિયાદો જણાતી હતી. હાલ ચોમાસુ શરુ થયુ હોઇ ભારે વાહનોની અવરજવરથી મુખ્ય બજારનો રસ્તો કાદવ કિચ્ચડવાળો બની ગયેલ હોવાની લાગણી સાથે ગતરોજ ભાજપા અગ્રણી રશ્મિકાન્ત પંડ્યા, દુ.વાઘપુરાના સરપંચ મુકેશ વસાવા, ઉમલ્લા ગામ અગ્રણી દશરથ વસાવા તેમજ અન્ય અગ્રણીઓએ ઉમલ્લા તળાવ સામે પાણેથા જવાના કોર્નર પર જતી આવતી ટ્રકો રોકીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

રશ્મિકાન્ત પંડ્યાના જણાવ્યા અનુસાર દુ.વાઘપુરા ઉમલ્લાના મુખ્ય બજારમાં ભારે વાહનોની અવરજવરથી રસ્તો ખરાબ થઇ ગયો છે. હાલ ચોમાસુ શરુ થયુ હોઇ મુખ્ય બજાર વિસ્તારમાં કાદવ કિચ્ચડ થવાના કારણે કોઇવાર જીવલેણ અકસ્માત થવાની દહેશત જણાય છે. દરમિયાન ત્યારબાદ ટ્રક માલિકો અને લીઝ સંચાલકોએ અગ્રણીઓ સાથે બેઠક યોજીને પ્રવર્તમાન પરિસ્થિતિ બાબતે ચર્ચા કરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ ઉમલ્લા દુ.વાઘપુરા મુખ્ય બજારમાં રેલવે ફાટકથી નવરાત્રી ચોક સુધીનો રસ્તો ટ્રક માલિકોએ પંદર દિવસમાં સિમેન્ટ કોંક્રીટ વાળો બનાવી આપવાનું કબુલતા આ મામલો હાલ ઠાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...