ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે નર્મદા કિનારે, સીમમાં જતો જુનો ગાડાવાટ રસ્તો હતો. આ રસ્તા પર છેલ્લા કેટલાક વર્ષોથી લીઝ સંચાલકો તથા ટ્રક ચાલકો દ્વારા સ્થાનિક પંચાયતના મેળાપીપણામાં ગાડાવાટ રસ્તાને ખુલ્લો કરી આજુબાજુના ખેતરોમાં દબાણ ઉભા કરી મોટો રસ્તો બનાવી દીધો છે. ગ્રામજનોની વારંવારની જવાબદાર વહીવટી તંત્રને રજૂઆત બાદ પણ સ્થાનિક તાલુકા તંત્રએ કોઈ પગલાં ભર્યા નથી.
વાત છેવટે ગાંધીનગર સુધી પહોંચતા ઝઘડિયાના મામલતદાર દ્વારા જે તે સમયે રસ્તો બંધ કરવા લીઝ સંચાલકોને જણાવ્યું હતું, તેમ છતાં બેફામ બનેલા અને વહીવટીતંત્રને હાથમાં લઈને ફરતાં રેતી માફિયાઓ દ્વારા મામલતદારના હુકમને નકારી રોજની સેંકડો રેતી ભરેલી, પાણી નિતરતી ટ્રકો ત્યાંથી પસાર કરવામાં આવે છે, જેના કારણે ખેતીને મોટું નુકસાન તેમજ ગ્રામજનોને ભારે હાડમારી વેઠવાનો સમય આવે છે.
છેલ્લા કેટલાક દિવસથી તે વિસ્તારમાં રેતી વહન પ્રક્રિયા બંધ હોય હવે ફરીથી ચાલુ કરવા માટે કેટલાંક રેતી માફિયાઓ ગ્રામજનો સાથે ટોઠીદરા ગામના રસ્તો ખુલ્લો કરવા મશીનરી લઈને આવી પહોંચ્યા હતા, જેના કારણે ગ્રામજનો અને રેતીવાળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બે-ત્રણ કલાક ચાલેલી બોલાચાલીમાં જવાબદાર પોલીસ મથક જાણવા છતાં અજાણ બની ત્યાં પહોંચ્યું જ ન હતું તેમ સ્થાનિક ગ્રામજનો જણાવ્યુ હતુ. રેતીવાળા લોકો અને ગ્રામજનો વચ્ચે ગજગ્રાહ વધે અને મારામારી માં ફેરવાઈ તો તે ઘટના માટે જવાબદાર કોણ તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.