નુકસાન:ફુલવાડી ગામે વીજ વાયર તૂટતા શેરડી બળીને ખાખ

ઝઘડિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગમાં પાંચ એકર શેરડીના પાકને નુકસાન થયું

ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામના અને હાલ ઝઘડિયા ખાતે રહેતા નિરંજન સાકરલાલ શાહ ફુલવાડી ગામે ખેતી કરે છે. ફુલવાડી ગામના પારસી ફળિયાને અડીને આવેલા તેમના ખેતરમાં તેમણે શેરડીનું વાવેતર કરેલ છે, તેમના આ ખેતરમાંથી એગ્રીકલ્ચર વીજ પ્રવાહના પોલ પસાર થાય છે. આકસ્મિક રીતે વીજ પ્રવાહ ચાલુ હતો તે દરમિયાન પોલ પરથી વાયરો તૂટીને શેરડીના ખેતરમાં પડતા આગ લાગી હતી. શેરડીના ખેતરમાં આગ લાગતા જોતજોતામાં આખા ખેતરમાં વાવેતર કરેલ શેરડીનો પાક રાખ થઈ ગયો હતો.

આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ખેતરને અડીને આવેલા ઘરોમાં પણ આગ લાગવાનું જોખમ ઊભું થયું હતું, પરંતુ ગામ આગેવાનોની સતર્કતાના પગલે આરતી ઈન્ડસ્ટ્રીઝ, યુપીએલ, ડીસીએમ અને ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ટેન્ડરો સમયસર આવી જતા આગની લપેટમાં આવતા ઘરોને બચાવી લેવાયા હતા અને ખેતરમાં લાગેલી આગને પણ કાબૂમાં લેવામાં આવી હતી. એગ્રિકલ્ચર લાઈનના વાયર તુટી પડતા શેરડીનો પાક સળગી જતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...