ફરિયાદ:મુલદ ગામે તિજોરીમાંથી કપડાં કાઢવા બાબતે સાસુ-વહુ બાખડ્યાં

ઝઘડિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસુએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી

ઝઘડિયા તાલુકાના મુલદ ગામે ઘરની તીજોરીમાંથી કપડા કાઢવાની વાતે સાસુ વહુ વચ્ચે ઝઘડો થતાં વહુએ સાસુને માર માર્યો હોવાની ઘટના બનવા પામી છે. વિગતો મુજબ મુલદ ગામે રહેતા ગોમીબેન સુભાષ પટેલના દિકરા કિરણના લગ્ન ફુલહાર વિધિથી અંકલેશ્વરની અંજના નામની યુવતી સાથે ચારેક મહિના અગાઉ થયા હતા. ત્યારબાદ અંજનાને તેના પતિ સાથે અણબનાવ થતાં તે તેના પિતાને ઘરે જતી રહી હતી. દરમિયાન ગતરોજ બપોરના એક વાગ્યાના અરસામાં કિરણની પત્ની અંજના તેની નાની બહેન સોનુ સાથે મુલદ ગામે આવી હતી.

ત્યારબાદ અંજનાએ ઘરની અંદર આવીને તેની તીજોરી ખોલીને તેના કપડા બહાર કાઢ્યા હતા. ગોમીબેને તેને પુછતા જણાવ્યું હતુંકે મારી માસીને ત્યાં લગ્નમાં જવાનું હોવાથી હું મારા કપડા લેવા આવી છું. ગોમીબેને તેને કપડા લઇ જવાની ના પાડતા અંજના અને તેની બહેન સોનુ ઉશ્કેરાઇ ગયા હતા. આ ઝઘડા દરમિયાન ગોમીબેનને માથાના પાછળના ભાગે લાકડાના દંડાનો સપાટો વાગ્યો હતો. તે દરમિયાન ગોમીબેનનો મોટો પુત્ર અને તેની પત્નીએ વચ્ચે પડીને તેમને મારમાંથી બચાવ્યા હતા. ત્યારબાદ અંજનાના પતિ કિરણને ઝઘડાની જાણ થતા તે પણ ત્યાં આવ્યો હતો. આ ઝપાઝપી દરમિયાન ગોમીબેનના દિકરા તસ્વિરને પણ ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત ગોમીબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ઝઘડિયા પોલીસે ગોમીબેન પટેલની ફરિયાદ મુજબ અંજનાબેન કિરણ પટેલ તેમજ સોનુબેન શંકર પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...