તંત્રની ગંભીર નિષ્ક્રિયતા:નર્મદા નદીમાંથી ગેરકાયદે થતું રેતી ખનન

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નદીમાં ભુમાફીયા દ્વારા બેફામ પ્રવૃત્તિ છતાં તંત્રની ગંભીર નિષ્ક્રિયતા

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાંથી લાંબા સમયથી આડેધડ થતા રેતખનનથી પર્યાવરણ પર ખતરો મંડાયો હોવાની બુમો ઉઠવા પામી છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઇ રહેલા રેતખનનને લઇને અવારનવાર વિવાદ સર્જાતો જોવા મળે છે. સામાન્યરીતે રેતખનનની બાબતે લીઝ સંચાલકોએ ઘણાબધા નિયમો જાળવવાના હોય છે,

પરંતુ જરુરી અને પાયાના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાની બુમો ઉઠવા છતા તાલુકા અને જિલ્લાના સંબંધિત અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી તંત્ર અને રેત માફીયાઓ વચ્ચે મિલિભગત હોવાની આશંકા ઉઠવા પામી છે. નાવડી મુકીને રેતી ઉલેચવી ગેરકાયદેસર હોવા છતાં નાવડી મુકીને રેતી ઉલેચાઇ રહી છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ ટોઠિદરા ઓરપટાર પંથક નજીકથી વહેતી નર્મદા નદીમાં કેટલાક સ્થળોએ નાવડી મુકીને રેતી ઉલેચાઇ રહી છે. જરૂરી નિયમોની ઐસી કી તૈસી કરીને રેત માફીયાઓ આડેધડ રેતી ઉલેચી રહ્યા છે.

આને લઇને પર્યાવરણની અસ્મિતાને ખુલ્લેઆમ નુકશાન પહોંચી રહ્યુ છે. ભરૂચ ખાણ ખનીજ વિભાગીય સુત્રોએ પણ નાવડી મુકીને રેત ખનન કરવું ગેરકાયદેસર હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ. છતાં બધુ રાબેતા મુજબ કેમ ચાલે છે ? આ બાબત રહસ્યમય પ્રશ્નાર્થ સર્જે છે. ઝઘડીયામાં બેફામ બનેલા ખનીજ માફીયાઓ કોના બાપની દિવાળી કહેવતને સાર્થક કરતા હોય એમ આડેધડ નિયમોનો ભંગ કરી રહ્યા હોવા છતાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં પોઢી રહ્યુ હોય એમ લાગે છે. ઉપરાંત નર્મદામાં પુલિયા બનાવીને તેના પરથી રેતીના વાહનો પસાર કરવાનો વિવાદ પણ ભુતકાળમાં વકર્યો હતો.

નદીમાં ગેરકાયદેસર પુલિયા બનાવવાના કારણે નદીના વહેણમાં અવરોધ અાવતો હોય છે, આમ આને લઇને સરેઆમ પર્યાવરણને નુકશાન પહોંચતુ હોય છે. નાવડી મુકીને તેના દ્વારા ગેરકાયદેસર થતા રેતખનન બાદ પાણી નીતરતી રેતીનું ટ્રકો દ્વારા વહન કરાતુ હોય છે. પાણી નીતરતી રેતીનું વહન કરવું નિયમ વિરુધ્ધ હોવા ઉપરાંત તેનાથી રસ્તાઓને નુકશાન થાય છે. આ સ્થળે નર્મદા નદી જ્યાં વહેછે તેનો કેટલોક ભાગ વડોદરા જિલ્લાની હદમાંથી પણ પસાર થાય છે, ભરુચ ઉપરાંત વડોદરા જિલ્લાની હદમાંથી પણ મોટાપાયે રેતખનન થતુ હોવાની બુમો ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...