ફરિયાદ:ઉમરખેડા ગામે છુટાછેટા બાબતે સસરા-જમાઇ વચ્ચે મારામારી

ઝઘડિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જમાઇએ ફટકારતા ઇજાગ્રસ્ત સસરાની પોલીસમાં ફરિયાદ

ભરૂચ જિલ્લાના નેત્રંગ ત‍ાલુકાના અને ઉમલ્લા પોલીસ મથકના વિસ્તારના ઉમરખેડા ગામે છુટાછેડાના સમાધાન માટે ભેગા થયેલા સસરા જમાઇ વચ્ચે ઝઘડો થતાં જમાઇ અને અન્ય લોકોએ સસરા પર હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો. મળતી વિગતો મુજબ ઉમરખેડા ગામે રહેતા દશરથ મનસુખ વસાવાની દિકરી રવિનાનું લગ્ન ગામમાંજ રહેતા સતિષભાઇ તુલસીભાઇ વસાવા સાથે થયું હતું. રવિના અને સતિષના લગ્નના છુટાછેડા કરવાના હોવાથી ગત તા.૩૧ મીના રોજ ગામના આગેવાનો સાથે છુટાછેડા બાબતે તેઓ ભેગા થયા હતા. છુટાછેડા આપવાનું જમાઇ સતિષ ના પાડતો હતો.

તે દરમિયાન ઝઘડો થતાં જમાઇ સતિષે તેના હાથમાંનો સળિયો તેના સસરા દશરથભાઇને પગના ભાગે મારી દીધો હતો, અને ત્યાંથી ભાગી ગયો હતો. સતિષ સાથે આવેલા ઇસમો પૈકી એકે તેના હાથમાંની કુહાડી દશરથભાઇને માથાના ભાગે મારી દીધી હતી. તેમજ બીજો તેના હાથમાં ચપ્પુ રાખીને રવિના અને તેની માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ દરમિયાન ગામલોકોએ વચ્ચે પડીને છોડાવીને વધુ મારમાંથી બચાવ્યા હતા. ઉપરાંત અન્ય બે મહિલાઓએ પણ તેમના ઘરે આવીને ગાળાગાળી કરી હતી.

આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ દશરથભાઇ વસાવાને માથામાં લોહી નીકળતુ હતુ અને ચક્કર આવતા હોવાથી નેત્રંગ સરકારી દવાખાનામાં સારવાર અપાવી હતી. દરમિયાન ગત તા. ૫ મીના રોજ માથામાં દુખાવો થતો હતો જેથી તેમને ફરીથી સારવાર માટે નેત્રંગ લઇ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ફરિયાદમાં જણાવાયા અનુસાર સતિષભાઇ છોકરીના પતિ થતા હોઇ છોકરીના ભવિષ્યનું વિચારીને તે સમયે ફરિયાદ કરી નહતી.

પરંતુ ત્યારબાદ પણ તે લોકો ધમકી આપતા હોવાથી દશરથ વસાવા રહે.ગામ ઉમરખેડા તા.નેત્રંગનાએ સતિષ તુલસી વસાવા, રસીક બચલ વસાવા, અશોક પ્રહલાદ વસાવા, વસંત નાનજી વસાવા, જ્યોત્સના અશોક વસાવા અને નીતાબેન કનૈયા વસાવા વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...