મોતનું જોખમ:ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી મધુમતી ખાડીમાં મગરોની વચ્ચે ગ્રામજનોનું ભયજનક અવાગમન

ઝઘડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાના રાજપરા સહિત સાત ગામો ચૂંટણીનો બહિષ્કાર કરશે

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી મધુમતી ખાડી પર રાજપરા ગામ પાસે નાળુ નહી બનાવવામાં આવતાં રાજપરા સહિતના 6 થી વધારે ગામના 5 હજાર લોકોને હાલાકી વેઠવી પડે છે. ખાડીના ધસમસતાં પ્રવાહમાંથી પસાર થઇ લોકો રાજપરાના સામે કાંઠે પહોંચી રહયાં છે. જો ખાડી પર નાળુ નહિ બનાવવામાં આવે તો સાત ગામના લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

લોકોને જીવના જોખમે ખાડી પાર કરે છે
ઝઘડિયાના રાજપરા, રૂપણીયા, મોટા સોરવા, નાના સોરવા, હરીપુરા, ઉચ્છદ સહિતના ગામોના લોકો માટે દર વર્ષે ચોમાસું હાલાકીની ભરમાર લઇને આવે છે. આ ગામોમાંથી મધુમતી ખાડી પસાર થાય છે અને ચોમાસામાં ખાડીમાં જળપ્રવાહ વધી જતાં લોકોને જીવના જોખમે ખાડી પાર કરી એક કાંઠેથી બીજા કાંઠા સુધી જવું પડે છે.

નાળુ નહી બને તો ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી
રાજપરા ગામ પાસે નાળુ બનાવવામાં આવતું નહિ હોવાના કારણે લોકોને ખાડીમાંથી પગપાળા પસાર થવું પડે છે. હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળી ડેમના પાણી ખાડીમાં આવી રહયાં હોવાથી જળસપાટી વધી છે. રાજપરા સહિતના ગામના લોકો કેડસમાણા પાણીમાંથી દુધની કેનો લઇ સામે કિનારે આવેલાં હરીપુરા અને ઉચ્છદમાં દુધ આપવા જાય છે. રાજપરા અને આસપાસના સાત ગામના લોકોએ નાળુ નહી બનાવવામાં આવે તો ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપારડી નજીકથી પસાર થતી મધુમતી ખાડીમાં છેલ્લા ઘણા સમયથી મગરોની પણ હાજરી જોવા મળી રહી છે. થોડા સમય પહેલાં મગરે દેખા દેતાં પાંજરૂ મુકવામાં આવ્યું છે. ખાડીમાં મગરોની હાજરી વચ્ચે લોકો ખાડી પસાર કરી રહયાં છે.

નાળા વિના ગ્રામજનોને 10 કિમીનો ફેરાવો
રાજપરા ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો સ્ટેટ હાઇવે માત્ર એક જ કીમીના અંતરે આવેલો છે પણ મધુમતી ખાડી પર નાળુ નહિ હોવાથી ગ્રામજનોને રાજપારડી તરફ આવવું હોયતો હિંગોરીયા થઇને 10 કીમીનું અંતર કાપી આવવું પડે છે. આમાં 30 થી 45 મિનિટનો વધારાનો સમય લાગી જાય છે.

છાત્રો રાજપારડી-ઉમલ્લા ભણવા આવે છે
મધુમતી ખાડીના એક કાંઠા પર આવેલાં રાજપરા ગામમાં ધોરણ 1 થી 4ની શાળા કાર્યરત છે. ધોરણ 5 થી ઉપરના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે રાજપારડી કે ઉમલ્લા જતાં હોય છે. ખાડી પર નાળાની સુવિધા વિના વિદ્યાર્થીઓને પણ ફેરાવો ફરી શાળાએ જવું પડી રહયું છે.

અધિકારીઓ માત્ર જોઇને જતાં રહે છે
વર્ષોથી અધિકારીઓ આવે છે અને નાળુ બનાવવાની જગ્યા જોઇને જતાં રહે છે. હવે તો ખાડીમાં મગરો પણ આવી ગયાં છે ત્યારે અમારે જીવના જોખમે ખાડી પસાર કરવી પડે છે. > કૌશિકભાઇ, સ્થાનિક

નાળું બનાવવા સરકારને વિનંતી છે
રાજપરા ગામે નાળુ બનાવી આપવામાં આવે તો 5 હજારથી વધુ લોકોને ફાયદો થશે. અમારા સાત ગામોમાં દર ચુંટણીમાં 90 ટકા મતદાન થાય છે પણ વિધાનસભાની ચુંટણીમાં અમે મતદાન કરીશું નહી. > બચુભાઇ, આગેવાન

અન્ય સમાચારો પણ છે...