ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીમાં કન્ટ્રકશનનું કામ કરતા કોન્ટ્રાક્ટરને ચાર ઇસમોએ કામ બંધ કરી દેવાનું કહીને માર મારી ધમકી આપતા ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. મળતી વિગતો મુજબ પરિમલ હસમુખ પટેલ કન્ટ્રકશનનું કામ કરે છે. હાલમાં તેમનું ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ગુલબ્રાન્ડસન નામની કંપનીમા સિવિલ કન્ટ્રકશનનું કામ ચાલે છે.
ગત તા.૬ ના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સમયે હિતેશ પટેલ નામનો ઇસમ તેની સાથેના અન્ય ત્રણ ઇસમો સાથે કંપની પાસે આવ્યો હતો.હિતેશ પટેલ અને તેની સાથેના અન્ય ઇસમોએ કંપનીની બહાર આવીને પરિમલભાઇને કામ બંધ કરવાનું કહીને તેમની સાથે ઝઘડો કર્યો હતો,અને પરિમલભાઇ પર હુમલો કરીને તેમને લોખંડના સળિયા તેમજ લાકડાના સપાટા માર્યા હતા.
ઉપરાંત કમર તેમજ પગના ભાગે ઘુંટણ નીચે માર માર્યો હતો.હિતેશ સાથેના ઇસમોએ ઢિકાપાટુનો માર માર્યો હતો.બાદમાં આ ઇસમો પરિમલને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.પોતાને કામ બંધ કરી દેવાનુ કહીને માર મારી ધમકી અપાતા પરિમલભાઇ ગભરાઇ ગયા હતા.આ બનાવ સંદર્ભે પરિમલભાઇએ હિતેશ પટેલ નામનો ઇસમ અને તેની સાથેના અન્ય ત્રણ ઇસમો વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.