સ્પીડબ્રેકર બનાવાયું:ઝઘડિયાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ પાસે આખરે સ્પીડબ્રેકર બનાવાયું

ઝઘડિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સપ્તાહ પહેલાંજ સ્કુલના ગેટ પાસે અકસ્માત થયો હતો

ભરૂચ જિલ્લાના તાલુકા મથક ઝઘડિયામાં સ્ટેટ હાઇવે પર સેન્ટ ઝેવિયર્સ સ્કુલ પાસે આખરે સ્પીડ બ્રેકર બનાવી દેવાયું છે. બે સપ્તાહ પહેલાં સ્કુલના ગેટની સામે જ કન્ટેનરને અકસ્માત નડયો હતો. ઝઘડિયાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ પાસે સ્પીડબ્રેકર બનાવવા માટે વારંવાર રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો.ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવેલ સેન્ટ ઝેવીયર્સ હાઇસ્કુલ પાસે અવાર નવાર એકસીડન્ટની ઘટનાઓ બનતી રહે છે. બે સપ્તાહ પહેલાં પણ હાઈસ્કૂલના મુખ્ય દરવાજા પાસે થયો હતો જેમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વાલીઓમાં દોડધામ મચી હતી.

અકસ્માતના એક સપ્તાહ પહેલાં જ આદિવાસી સેવાલય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને સેંટ જોસેફ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલના ટ્રસ્ટી તેમજ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ આવેદનપત્ર આપી સ્પીડ બ્રેકર બનાવવા માટે માંગણી કરી હતી પણ સ્પીડ બ્રેકર નહિ બનાવાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો. આખરે બે સપ્તાહ બાદ જાગેલાં તંત્રએ સ્પીડ બ્રેકર બનાવતા વાલીઓ તથા વિદ્યાર્થીઓને રાહત સાંપડી છે. સ્પીડબ્રેકર બનાવ્યાં બાદ આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોની સલામતી માટે પણ પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. સ્ટેટ હાઇવે હોવાથી વાહનો ફુલ સ્પીડમાં પસાર થાય છે જેના કારણે બંપરનો ખ્યાલ ન રહેતાં અકસ્માતો થવાનો ખતરો વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...