વિકાસ સાથે સંકળાયેલા અનેક ગામોને જોડતા જબુગામથી બોડેલીનો નેશનલ હાઈવે નં.56 અત્યંત બિસમાર બની ગયો છે. બોડેલી મેરીયા બ્રિજથી ભારજ નદીના બ્રિજ સુધીના માર્ગમાં મોટા ખાડા પડી ગયા છે. સતત ધૂળની ડમરીઓ ઉડવાથી અહીંથી પસાર થતાં વાહનચાલકો પણ તોબા પોકારી ઉઠ્યા છે. બોડેલીથી સિહોદ ચોકડી સુધીનું 10 કિમીનું અંતર કાપતા વાહનચાલકોને કલાકો લાગે છે.
હાઈવે પર દિવસ-રાત મોટી સંખ્યામાં વાહનો સાથે રેતીના ભારદારી ડમ્પરોના સતત અવર જવરના કારણે માર્ગ ભંગાર બની ગયો છે. મસમોટા ખાડાઓ અને સતત ધૂળની ડમરીઓ ઉડવાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. જિલ્લા અને તાલુકા મથકે આસપાસના લોકો જતા હોય છે. પરંતુ માર્ગ બિસ્માર હોવાથી કલાકોનો સમય વીતી જાય છે.
અહીંથી પસાર થતાં વાહનોમાં નુકસાન પહોંચે છે. જેના કારણે લોકોને હાડમારી પડી રહી છે. ત્યારે તાકીદે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં 56નુ સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાંય હાઈવે માર્ગનું નવીનીકરણ કે સમારકામ કરવામાં આવતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.