ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો:જંબુસરના અણખી ગામેથી સાત ફૂટ લાંબો મગર ઝડપાયો

જંબુસર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવમાં મગરે દેખા દેતાં ગ્રામજનોમાં ભય ફેલાયો હતો

જંબુસર તાલુકાનાઅણખી ગામ તળાવમાંથી સાત ફુટના મગરને ઝડપી પાડવામાં આવતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. અણખી ગામ તળાવમાં મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ચોમાસા દરમિયાન નદીઓમાં આવતાં પુરના પાણી સાથે મગરો પણ ખેંચાઇ આવતાં હોય છે. જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પણ મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. આવા સંજોગોમાં અણખી ગામના તળાવમાં વિશાળકાય મગર આવી ચઢયો હતો.

તળાવના કિનારે મહિલાઓ કપડા ધોવા માટે જતી હોય છે તેમજ ઢોરો પાણી પીવા માટે આવતાં હોય છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં મગરને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. વન વિભાગે મુકેલા પાંજરામાં મગર પુરાય જતાં તેને જોવા લોકો ઉમટી પડયાં હતાં. સાત ફુટ લાંબા મગરને સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી અને ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થયો છે.

ઉપરવાસમાંથી બંને નદીઓમાં વિપુલ માત્રામાં પાણી આવી રહયું છે. વિશ્વામિત્રી અને ઢાઢર બંને નદીઓમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે ત્યારે ચોમાસામાં મગરો આસપાસના ગામોમાં આવી જાય છે અને ત્યાં તળાવ કે ખાડાઓમાં પોતાનો અડિંગો જમાવી દેતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...