સ્માર્ટ આંગણવાડી:હાંસોટના ઉત્રાજ ખાતે સ્માર્ટ આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, આંગણવાડી બહેનોને DDOના હસ્તે ચાવીઓ એનાયત કરાઇ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્રાજ ખાતે ઉત્રાજ અને ધમરાડ સ્માર્ટ આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
  • કુપોષણ સામે કેવી રીતે કામ કરવું તે અંગેની માહિતી ભવાઈ દ્વારા રજૂ કરવામાં આવી

હાંસોટ તાલુકાના ઉત્રાજ ખાતે ઉત્રાજ અને ધમરાડ સ્માર્ટ આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં નવીનીકરણ પામેલી સ્માર્ટ આંગણવાડીની ચાવી જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે જે-તે ગામના સરપંચ તથા આંગણવાડી બહેનોને એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકારના સહયોગથી સાહસ સંસ્થા દ્વારા બે સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ કર્યાનું કાર્ય પ્રશંસનીય હોવાનું જણાવ્યું હતું. તેમજ બાળકોના વધુ સારા સ્વાસ્થ્ય અને સ્માર્ટ શિક્ષણ માટે નવીનીકરણ કરેલી આંગણવાડીઓ નાના બાળકો અને કિશોરીઓ માટે સલામત શૈક્ષણિક અને સકારાત્મક વાતાવરણ નિર્માણ કરશે તેમ જણાવ્યું હતું. સાથે જ આના થકી બાળકોને સુરક્ષિત, સ્વસ્થ અને પ્રેરક વાતાવરણ મળી રહેશે એમ તેમણે કહ્યું હતું. કાકા બા હોસ્પિટલ ભરૂચ જિલ્લામાં ઘણાં વર્ષોથી ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઈન્દ્રશીલ કાકા બા અને કલા બુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. ભરત ચાંપાનેરીયાએ સી.એસ.આર એક્ટિવિટી અને કાકા બા હોસ્પિટલની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે નવીનીકરણ પામેલી સ્માર્ટ આંગણવાડીની ચાવી જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે જે તે ગામના સરપંચ તથા આંગણવાડી બહેનોને એનાયત કરવામાં આવી હતી. દરમ્યાન કુપોષણ સામે કેવી રીતે કામ કરવું તે અંગેની માહિતી ભવાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગેમલ સિંહ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર, કારોબારી અધ્યક્ષ, ઉત્રાજ તથા ધમરાડ ગામના સરપંચ, સાહસ સંસ્થાના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ, આંગણવાડી બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...