વિરોધ:વેલસ્પનના કર્મીઓ ફરી આંદોલન કરશે, 250 કર્મચારીઓએ કંપનીની VRS સ્કિમ ઠુકરાવી આંદોલન ચાલુ રાખ્યું, 15મીએ રસ્તા રોકો આંદોલન

દહેજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં કોરોના મહામારી દરમ્યાન જ 416 જેટલા કામદારોને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો હતો. જોકે કામદારોને કઈક અજુગતું થવાની ગંધ આવતા તેમને મિટિંગો નો દોર શરૂ કર્યો હતો. દરમ્યાન કમ્પની મેનેજમેન્ટે 416 જેટલા કર્મચારીઓની સાગમટે બદલી કરવાના હુકમ કરતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેને આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. છેલ્લા ત્રણ મહિનાથી કામદારોએ વેલસ્પનના ગેટ સામે જ આંદોલન ચાલુ રાખ્યું હતું. સાથે વિવિધસ્તરોએ ન્યાય માટે રજૂઆતો પણ કરી હતી.

વેલસ્પનના કામદારો યોગ્ય વળતર સાથે VRS સ્કીમમાં જોડાવા તૈયાર હતા. જ્યારે 250થી વધુ કામદારોએ સ્કીમને ઠુકરાવી યોગ્ય વળતરની માંગને બુલંદ બનાવી છે. 250 જેટલા કામદારો હવે લડી લેવાના મિઝાંઝ સાથે મેદાનમાં આવ્યા છે. કામદારોએ ઉચ્ચ અધિકારીઓ સહિત સરકારને લેખિતમાં રજુઆત કરી ન્યાયની માંગ ઉઠાવી છે. જેમાં 15 નવેમ્બરે રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનની ઘોષણા કરી છે.

સરકારી ધારા ધોરણ મુજબ જ VRSની સ્કીમ મુકી છે
વેલસ્પન કંપનીના કામદારોના આંદોલન દરમ્યાન અનેક વખત અધિકારીઓ સાથે મિટિંગ થઈ છે. વી.આર.એસ. બાબતે જિલ્લા કલેકટર સહિત અન્ય અધિકારીઓ સાથે વાગરાના ધારાસભ્યની હાજરીમાં મિટિંગ થઈ હતી. સરકારી ધારાધોરણ મુજબ સ્કીમ જાહેર કરી છે. 50 ટકા કામદારો સહમત થયા છે. 250 કામદારો રાજીનાનું આપી ચુક્યા છે. કંપની કોઈ કામદારોને છુટા કરવા નથી માંગતી. - પરિમાલસિંહ રણા, સિનિયર મેનેજર- એચ.આર.

25 લાખની માગણી સામે કંપનીએ 6 લાખ જાહેર કર્યા
કામદારોએ સમાધાન માટે કંપની પાસે વી.આર.એસ.સ્કિમમાં 15 વર્ષની નોકરી વાળાને 25 લાખ, 20 વર્ષની નોકરી વાળાને 30 લાખ અને 25 વર્ષ કે તથી વધુની નોકરી વાળાને 35 લાખ વળતરની માંગ કરી હતી. કંપની મેનેજમેન્ટે 15 વર્ષ સુધીના કામદારોને 6 લાખ, 16થી 20 વર્ષનાને 6.50 અને 21થી 25 વર્ષના કામદારોને 7.50 લાખ ચુકવવાની જાહેરાત કરી હતી.

દિવાળી તો બગડી છે, હવે જિંદગી પણ બગડવાનો ડર છે
અમારી દિવાળી તો બગડી છે, હવે જિંદગી બગડવાનો ડર છે. ધોબીનો કૂતરો નહિ ઘરનો કે નહીં ઘાટનો એવી અમારી સ્થિતિ છે. હેરાન કરવાની પણ હદ હોય, મર્યાદાઓ પુરી થઈ છે એટલે જ હવે આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. રસ્તા રોકો આંદોલન ચાલુ રહેશે. - અરવિંદ વાઘેલા, કામદાર.

અન્ય સમાચારો પણ છે...