કરોડોનું પાણી કૌભાંડ:દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશએ કંપની પાસેથી કરોડો ઉઘરાવ્યા

દહેજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયત ધારાધોરણોથી ઉપરવટ જઈ ટોરેન્ટ કંપની પાસેથી નાણા વસુલતા કોમર્સિયલ કોર્ટે 1.05 કરોડ વ્યાજ સાથે પરત ચૂકવવા હૂકમ કર્યો

દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને જીઆઈડીસી પાસેથી વર્ષ 2011થી 2013 દરમિયાન 25 એમ.જી.ડી. વોટર સપ્લાયની સ્કિમનો કોન્ટ્રાક્ટ લઈ નિયમ વિરૂદ્ધ જઈ કંપનીઓ પાસેથી નાણા વસુલી કરોડો રૂપિયાનું પાણી કૌભાંડ આચર્યું હોવાની હકીકતો બહાર આવતા દહેજ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં હડકંપ મચી ગયો છે. સમગ્ર કૌભાંડના મામલે વાગરા કોમર્સિયલ કોર્ટેમાં કેસ ચાલતાં કોર્ટે ડીઆઈએને રૂપિયા 1.05 કરોડની રકમ 8 ટકાના વ્યાજ સાથે ટોરેન્ટ કંપનીને પરત ચૂકવવા હૂકમ કરતાં સમગ્ર કૌભાંડ સપાટી પર આવ્યું છે.

દહેજને ઔદ્યોગિક વસાહત વિકસતા ત્યાં નેશનલ અને મલ્ટિનેશનલ કંપનીઓ સ્થાપિત થઈ છે. ઉદ્યોગોની પાણીની જરૂરિયાત સંતોષવા જીઆઈડીસી દ્વારા 25 એમજીડી વોટર સપ્લાય સ્કિમ અમલમાં મૂકી હતી. ઓગસ્ટ 2011થી જુલાઈ 2013 દરમિયાન દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને કોન્ટ્રાક્ટ લઈ વોટર સપ્લાયની કામગીરી કરી હતી.

કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા વસુલી
જીઆઈડીસી અને ડીઆઈએ વચ્ચે થયેલા કરારમાં જીઆઈડીસી દ્વારા જે નિયમો મુજબ પાણીનો સપ્લાય આપવાનો હતો તે નિયમો નેવે મુકીને ડીઆઈએના પ્રમુખ એમ.એ. હનિયા અને તેમની ટીમે કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા વસુલી મસમોટું કૌભાંડ આચર્યું હતું. ઉદ્યોગો પાસેથી ખરેખર પાણીના વપરાશ મુજબના નાણા વસુલવાના સ્થાને આપખૂદશાહી ચલાવી નિયમો વિરૂદ્ધ કંપનીઓ પાસેથી અંદાજિત જરૂરિયાતના 75 ટકા લેખે કરોડો રૂપિયાના બિલોની વસુલાત કરી હતી.

દહેજ એસઈઝેડ-1માં આવેલી ટોરેન્ટ પાવર કંપનીએ ડીઆઈએની આપખુદશાહી સામે અવાજ ઉઠાવી વર્ષ 2014માં ભરૂચની સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. જે દાવો વાગરા કોમર્સિયલ કોર્ટમાં ટ્રાન્સફર થતા કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં કોર્ટે ડીઆઈએને કસુરવાર ઠેરવી ટોરેન્ટ પાવરને રૂપિયા 1.05 કરોડ 8 ટકાના વ્યાજ સાથે પરત કરવા હુકમ કરતાં ઉદ્યોગ આલમમાં હડકંપ મચ્યો છે. હૂકમના પગલે ડીઆઈએના પ્રમુખ સહિતના પદાધિકારીઓમાં દોડધામ મચી હતી.

સંસ્થાની મિટિંગમાં ચર્ચા કરી નિર્ણય લઈશું
દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં વોટર સપ્લાય અંગેનો નિર્ણય એ કોઈ વ્યક્તિગત નિર્ણય નથી. સંસ્થાએ નિર્ણય કર્યો હતો. એસો.એ નક્કિ કરેલા નિયમો પ્રમાણે જ વહિવટ કરાયો હતો. છતાં કોર્ટનો અમે અનાદર કરતા નથી. સંસ્થાના હોદ્દેદારોની મિટિંગ બોલાવી નિર્ણય લઈશું.- એમ.એ.હનિયા, પ્રમુખ, ડીઆઈએ.

પ્રમુખે રાજીનામું આપવું જોઈએ
કોર્ટનો હૂકમ દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે કલંક સમાન છે. પ્રમુખે એસોસિએશનને ગેરમાર્ગે દોર્યું હતું. કોર્ટના હૂકમ મિજબની નાણાકીય ભરપાઈ પ્રમુખના વ્યક્તિગત ખાતામાંથી થવી જોઈએ. અને સમગ્ર ઘટના સપાટી પર આવ્યા પછી પ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.- દિનેશ પટેલ, પૂર્વ સેક્રેટરી.

શું છે પાણી વિતરણના નિયમો...
GIDCના નોટિફિકેશન 1991ના વોટર સપ્લાય રૂલના ક્લોઝ નંબર-22 મુજબ જેતે કંપનીનની માગણી મુજબના પાણીના જથ્થા કરતા ઓછો પાણીનો વપરાશ કરતા છતા કુલ માંગણીના 70 ટકા લેખે પાણીના બીલોની વસુલાત કરવાનો નિયમ હતો. જેમાં 2010માં સુધારો આવ્યો હતો જેમાં અગાઉના નિયમને દુર કરી કંપની દ્વારા જેટલો પાણીનો વપરાશ થયો હતો તેજ મુજબ પાણીના બીલ વસુલવાની જોગવાઇ કરવામાં આવી હતી. જીઆઇડીસી પોતે પણ વોટર સપ્લાયરના નવા રૂલના ક્લોઝ નંબર 7 મુજબ પાણીની વસુલાત કરતી હતી પાણીના વપરાસ માટે દરેક કંપનીમાં રજીસ્ટર્ડ મીટરો પણ મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...