આક્રોશ:પીરામણ ગામમાં ગરીબ નવાઝ મસ્જિદ પાસે પાણીનો ભરાવો

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાંકી અને સંપમાંથી ઓવરફ્લો થઇ પાણી રસ્તા પર વહી રહ્યું છે

અંકલેશ્વર હવા મહેલ ઓપેરા હાઉસ સામે ગરીબ નવાઝ મસ્જિદ નજીક પાણી ટાંકી ઓવરફ્લો થવાના કારણે હજારો લીટર પાણી માર્ગો પર ફરી વળતાં લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે છાશવારે આવી ઘટનાઓ બની રહી હોવાથી હવે સ્થાનિકો આંદોલનના મિજાજમાં જણાય રહયાં છે.

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના જાહેર માર્ગ પર આવેલ ગરીબ નવાઝ મસ્જિદ આગળ પુનઃ એકવાર ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઓપેરા હાઉસ નજીક આવેલ પાણી ટાંકી અને સંપ ઓવરફલો થતા હજારો લીટર પાણી માર્ગો પર ફરી વળ્યું હતું. એક તરફ રેલવે વિભાગ દ્વારા કંપાઉન્ડ વોલ બનાવાઇ રહી હોવાથી ખોદકામ કરાયું છે અને માટીના ઢગલા કરી દેવામાં આવ્યાં છે તો બીજી તરફ પાણી લીકેજ થતાં મસ્જિદની આગળ પાણીનો ભરાવો થઇ ગયો છે.

માર્ગ સાંકડો અને જળબંબાકાર બની જતાં વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી નડી રહી છે. ખાસ કરીને ગરીબ નવાઝ મસ્જિદમાં નમાઝ અદા કરવા આવતા નમાઝીઓની ધાર્મિક લાગણી પણ દુભાઇ રહી છે.છાશવારે પાણીનો ભરાવો થતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ છે અને તેમણે તંત્રની આંખ ઉઘાડવા ફોટા અને વિડીયો વાયરલ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે. કે પીરામણ ના રહીશો એ પાણી માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશથી નોટીફાઈડ વિભાગ પિરામણ ગામમાં પીવાનું પાણી પુરૂ પાડી રહી છે પણ ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે પાણીનો વ્યય થઇ રહયો છે. સ્થાનિકોએ માટીના ઢગલા દુર કરી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...