હુમલો:અંકલેશ્વરના સર્વોદય નગરમાં ટોળાનો યુવાન પર હિંસક હુમલો

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાનના ગલ્લા પર જતી વેળા આંતરીને ઢોર માર માર્યો

અંકલેશ્વર સર્વોદય નગર ખાતે વિમલ લેવા ઘરની બહાર નીકળેલાં યુવાનને આંતરીને ટોળાએ માર માર્યો હોવાની ઘટના બની છે. યુવાનને તલવાર વાગતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સપના સોસાયટી આંબોલી રોડ ખાતે રહેતા સૈયદ અફઝલ હુસેન ગત મોડી સાંજે ધરેથી વિમલ લેવા માટે સર્વોદય નગરની દુકાન પર આવ્યા હતા તે દરમિયાન સર્વોદય ચોકડી પાસે ઉભેલા અજાણ્યા 20 થી 25 ઈસમો ટોળે વળીને ઉભા હતાં. તેમાંથી એક ઇસમે અફઝલ પર તલવારથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ટોળામાંના ઇસમો તેની પર તુટી પડયાં હતાં અને ઢોર માર માર્યો હતો.

ઇજાગ્રસ્તને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે શહેર પોલીસે ચાર જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ઘરેથી પાનના ગલ્લા પર આવેલાં યુવાન પર કયાં કારણોથી હુમલો કરવામાં આવ્યો તેની વિગતો હજી બહાર આવી શકી નથી. અંકલેશ્વરમાં બનેલી આ ઘટનાના પગલે એક તબકકે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક યુવાનને માર મારવા માટે એક આખું ટોળુ આવતાં અનેક તર્ક વિતર્ક થઇ રહયાં છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઇ રહયો છે.

અને જાહેરમાં મારામારીના પણ બનાવો વધી રહયાં છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે તે પહેલાં પોલીસ ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે. અંકલેશ્વરમાં શિયાળાની શરૂઆત થતાંની સાથે ઘરફોડ ચોરીના બનાવો વધી રહયાં છે અને તેના કારણે લોકોમાં ભય પણ ફેલાયેલો જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...