ટ્રાફિક સમસ્યા:ગોલ્ડનની સરખામણીએ નર્મદા મૈયા બ્રિજ પર 25 ટકા ટ્રાફિક વધ્યો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થયું

ભરૂચની નર્મદા નદી પર બનેલાં નર્મદા મૈયા બ્રિજે તારીખ 13મીના રોજ એક વર્ષ પુર્ણ કર્યું છે. ગોલ્ડનબ્રિજ પરથી રોજના 25 હજાર જેટલા વાહનો પસાર થતાં હતાં તો નર્મદા મૈયા બ્રિજ પરથી રોજના 35 હજાર વાહનો પસાર થઇ રહયાં છે. નર્મદા મૈયા બ્રિજ બન્યાં પછી ગોલ્ડનબ્રિજે તેની ઉપયોગીતા ગુમાવી દીધી છે. એક સમયે વાહનોથી ધમધમતાં ગોલ્ડનબ્રિજ પરથી રોજના માંડ 500 વાહનો પસાર થઇ રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકનું ભારણ વધતા નર્મદા નદી ઉપર અંગ્રેજોએ બનાવેલો ગોલ્ડનબ્રિજ ટ્રાફિક સમસ્યાનું એપી સેન્ટર બની ગયો હતો.

ગોલ્ડનબ્રિજ પર દરરોજ વાહનોની 10 કીમીથી વધારેની કતાર લાગતી હતી. ઝાડેશ્વર ચોકડી પાસે ટ્રાફિકજામ રહેતો હોવાથી ફોરવ્હીલવાળાઓ ગોલ્ડનબ્રિજ પરથી જવાનું પસંદ કરતાં હોવાથી ગોલ્ડનબ્રિજ 24 કલાક વાહનોથી ધમધમતો રહેતો હતો. ભરૂચ અને અંકલેશ્વરના સ્થાનિક લોકોની સાથે બહારગામના હજારો વાહનચાલકો ગોલ્ડનબ્રિજના ટ્રાફિકજામના સાક્ષી છે. 2014માં ગોલ્ડનબ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવાની શરૂઆત થઇ હતી. અંદાજે 400 કરોડથી વધુના ખર્ચે બનેલાં નર્મદા મૈયા બ્રિજને ગત વર્ષે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. 13 મી જુલાઈ 2021 ના રોજ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આ બ્રિજને કારણે ભરૂચ અને અંકલેશ્વર ખરા અર્થમાં ટવીન સિટી બની ગઈ છે. નર્મદા બ્રિજ શરૂ થવાથી દક્ષિણ ગુજરાતના લોકો અને અંકલેશ્વર, ભરૂચ, દહેજ, વિલાયત,વગેરે સ્થળોએ કામ કરતા લોકો માટે હવે આસાની થઈ ગઈ છે.ત્યારે આજે નર્મદા મૈયા બ્રિજ લોકાર્પણ ને એક વર્ષ પૂર્ણ થતાં વાહન ચાલકોને ટ્રાફિક જામથી મુક્તિ મળતા આનંદની લાગણી જોવા મળી રહી છે. આ બ્રિજ બન્યા પહેલા રોજના 20 થી 25 હજાર વાહનો પસાર થયા હતા.જયારે નર્મદા મૈયા બ્રિજ ને એક વર્ષનો સમય વીતી જતા હાલમાં રોજના 35 થી 40 હજાર વાહનો આસાનીથી પસાર થઈ રહ્યા છે.

નવા બ્રિજ પરથી 35 હજાર વાહનો જાય છે
પહેલા ગોલ્ડન બ્રિજ પરથી 25 થી 28 હજાર વાહનો પસાર થતા હતા તે હવે પ્રતિ દિવસ નર્મદા મૈયા બ્રિજ પર રોજના 35 હજાર થી વધુ પસાર થઇ રહ્યા છે. > અનીશ પરીખ, બી.ટી.ઈ.ટી ભરૂચ

હજારો વાહન ચાલકોને રાહત સાંપડી છે
નર્મદા મૈયા બ્રિજ છેલ્લા એક વર્ષ થી ભરૂચ-અંકલેશ્વર વાસી અને ખાસ કરી ને દક્ષિણ ગુજરાત અને મધ્ય અને ઉત્તર ગુજરાત માટે આશીર્વાદ રૂપ વાહન ચાલકો માટે બન્યો છે. આ બ્રિજ ને લઇ અંકલેશ્વર-ભરૂચ વચ્ચે સીટી બસ સેવા પણ સંભવ બની છે. > ધર્મેશ સોલંકી ,સામાજિક કાર્યકર

અન્ય સમાચારો પણ છે...