અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા સન ફ્લોરા રેસીડેન્સી શુક્રવારની રાત્રીના સમયે મકાનના પાર્કિંગમાં પાર્ક કરેલી ત્રણ મોટરસાયકલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ મકાન માલિક અને આસપાસના સ્થાનિકોએ બહાર દોડી આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ અંગે મોટર સાયકલ માલિકે બનાવની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાર્કિગમાં પાર્ક કરેલી ત્રણ બાઈકોમાં આગ લાગતા દોડધામ મચી
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સન ફ્લોરા રેસીડેન્સીના મકાન નંબર 60માં વિકાસચંદ્ર પ્રેમ પ્રકાશ યાદવ પોતાના પરિવાર સાથે રહે છે. તે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલી ડિટોક્ષ ઇન્ડિયા પ્રા.લી કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરી ગુજરાન ચલાવે છે. તેની પાસે એક રોયલ ઇન્ફિલ્ડ થંડર બર્ડ 350, કે.ટી.એમ ડ્યુક 250 અને હિરો હોન્ડા સ્પેલંડર મોટરસાયકલ છે. તેઓ ગઈકાલે શુક્રવારના રોજ રાત્રીના 10 વાગ્યાના અરસામાં પરિવાર સાથે મુંબઈથી પરત અંકલેશ્વર આવ્યા બાદ જમીને સુઈ ગયા હતા. ત્યાર બાદ રાત્રીના અઢી વાગ્યાના ગાળામાં તેમના મકાનના પાર્કિંગમાં મુકેલી બાઈકો સળગવા લાગતા તેમના પપ્પા અને બહારના લોકોએ બુમાબુમ કરતા તેઓ બહાર દોડી આવ્યા હતા. ત્યાંર વિલાસચંદ્ર અને તેના નાના ભાઈ પ્રકાશચંદ્ર અને સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ ઓલવાય તે પહેલા ત્રણેય ગાડીઓમાં મોટી નુકશાની થવા પામી હતી.
અંકલેશ્વર GIDC પોલીસમાં ફરિયાદ દાખલ
આ અંગે વિલાસચંદ્રએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સવારે પોલીસે સ્થળ પરનું નિરીક્ષણ કરીને આગ લાગી હતી અથવા કોઈ દ્વારા લગાવવામાં આવી હતી તે દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.