ગાડીનો કાચ તોડી બેગની ઉઠાંતરી:અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે પાર્ક કરેલી કારનો કાચ તોડી બ્રિફકેસની ચોરી; રોકડ અને લેપટોપ મળી રૂ. 50 હજારના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આઈસીઆઈસી આઈ બેન્ક સામે રોડની બાજુમાં પાર્ક કરેલી કારના દરવાજાનો કાચ તોડી રોકડ રકમ અને લેપટોપ મુકેલી બ્રિફકેસની ચોરી કરી ગઠિયો ફરાર થઇ જતા અંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

બેંકમાં ચેક નાખવા જતાં દરમિયાન બેગની ઉઠાંતરી
અંકલેશ્વર શહેરમાં થોડાં દિવસ પહેલા જ બે ચીલ ઝડપના બનવા બન્યા હતાં. પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનાને ડિટેક્ટ કરી અમદાવાદ છારાનગરના બે આરોપીઓને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે આજે 2જી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર શહેરમાં વધુ એક કારનો કાચ તોડીને બેગની ઉઠાંતરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં રહેતા તુહીન રામનાથ લવાનીયા બ્રિફકેસમાં રોકડા રૂપિયા 25 હજાર અને 25 હજારનું લેપટોપ તેમજ બે પાનકાર્ડ મૂકી પોતાની સિયાઝ કારમાં બ્રિફકેસ મૂકી પ્રતિન ચોકડી નજીક આવેલી એક્સિસ બેન્કમાં ચેક નાખવા આવ્યા હતા. તેઓ આઈસીઆઈ બેન્કની સામેના રોડની બાજુમાં કાર પાર્ક કરી એક્સિસ બેન્કમાં ચેક નાખવા ગયા હતા. તે સમય દરમ્યાન ગઠીયાએ તેમની કારના દરવાજાનો કાચ તોડી બ્રિફકેસની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

ગઠિયો કાચ તોડીને રોકડા રૂ. 25 હજાર અને લેપટોપની બેગ ઉઠાવી ગયો
બેંકમાંથી તુહીન લવાનીયા પરત આવતા કારનો કાચ તૂટેલો જોતા ચોંકી ઉઠ્યા હતા. તેમણે અંદર તપાસ કરતાં રોકડ રકમ અને લેપટોપ મુકેલી બ્રિફકેસની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે તેમણે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોકડા રૂપિયા 25 હજાર અને 25 હજારનું લેપટોપ મળી કુલ રૂપિયા 50 હજારના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...