ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભા ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટલેના પ્રયાસોથી 153 ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે સરકારે રૂ.20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર કરી છે.
મીઠા પાણી માટેની માંગણીને મંજૂરી
આ વિસ્તારમાં લોકોની ઘણા સમયથી મીઠા પાણીની માટેની માંગણીઓ હતી. જેના સંદર્ભે 153 ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં ગુજરાતની સરકાર દ્વારા મીઠા પાણીની ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની મંજૂરી મળી છે. જેમાં પાણીની ટાંકી, આંતરિક પાઇપલાઇન, ભૂગર્ભ સંપ, પંપ હાઉસ વિગેરે નિર્માણ પામનાર છે.
કયા કયા ગામોને આ યોજનાનો લાભ મળશે
આ યોજનામાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારના છાપરા, કાંસિયા, સામોર, નોગામા, માંડવાબુજર્ગ, અમરતપુરા, મોતાલી, દઢાલ, ઉછાલી, કરારવેલ, અવાદર, પારડીમોખા, જીતાલી, પીપરોદ, સેંગપુર, ગડખોલ, અંદાળા અને સારંગપુર જેવા ગ્રામ્ય અને શહેરી સહિત કુલ 18 ગામોને શુદ્ધ મીઠું પાણી પૂરું પાડવામાં આવનાર છે.
ગામના સરપંચે ધારાસભ્યનો આભાર વ્યકત કર્યો હતો
આ મંજૂરી બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો વિસ્તારના નાગરિકો વતી હૃદયપૂર્વક ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય દુષ્યંત પટેલે આભાર વ્યક્ત કર્યો છે. ભરૂચ વિધાન સભા મતવિસ્તારમાં પ્રજાની દરેક પ્રાથમિક સહિતની જરુરીયાતો અને સુવિધા માટે હર હમેશ તત્પર રહેતા ધરાસભ્યો પ્રત્યે ગ્રામજનો આભારની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.- નિરુબેન પટેલ,સરપંચ,અંદાડા
અમારા ગામની ગૃહણીઓ માટે ખુશીની વાત છે
અમારા ગામના લોકો હમણાં રૂપિયા ખર્ચીને પાણી પીવે છે. નર્મદા નદી નજીક આવેલી હોવા છતાંય મીઠા પાણી માટે અમારે રૂપિયા ખર્ચવા પડતાં હતાં. જોકે સરકાર દ્વારા અમારા ગામમાં મીઠા પાણીની યોજના મંજૂર કરી અને પાઇપ લાઇન મારફતે પાણી સીધુ અમારા ઘરોમાં આવશે. જે અમારી જેવી ગૃહણીઓને માટે ઘણી જ ખુશીની વાત છે. - કીર્તિબેન પટેલ, ગૃહણી, અંદાડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.