ભરૂચની નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને આજે 10 મહિના થઈ ગયા છે. આ વીતેલા 10 મહિનામાં ગોલ્ડન બ્રિજ ઉપરથી માંડ 10 હજાર વાહનો પણ પસાર નહિં થયા હોય. ફોરલેન નવો બ્રિજ કાર્યરત થઈ જતાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ સેવા નિવૃત થઈ ગયો હતો. 16 મેનાં રોજ ગોલ્ડનબ્રિજ 142માં વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે. હવે અંગ્રેજોનો ગોલ્ડનબ્રિજ કે સુવર્ણ પુલ નહિં રહે પણ આગામી સમયમાં સ્વદેશી ઓળખ ઉભી કરશે. ગોલ્ડન બ્રિજને ઐતિહાસિક સ્મારકનું રૂપ આપવા ભરૂચની 2 કલર કંપનીઓએ ગોલ્ડનબ્રિજને તિરંગાના રંગે રંગવાનું નક્કી કર્યું છે.
આ અંગેનો પ્રસ્તાવ કંપનીઓ સમક્ષ ધારાસભ્ય દુષ્યંત પટેલે મૂકતાં તેને સ્વિકારી આ કામ ઉપાડવાનું આહવાન કર્યું છે. સોના કરતાં પણ જે મોંઘો છે તેવો ગોલ્ડન બ્રિજ 141 વર્ષ પૂર્ણ કરી 142માં વર્ષમાં પ્રવેશ્યો છે. અત્યાર સુધી દેશની આ ધરોહર અંગ્રેજોની દેન તરીકે જ ખ્યાતિ પ્રાપ્ત હતો. પણ હવે તેને સ્વદેશી ઓળખ અને દેશની આન, બાન અને શાન ગણાતા તિરંગાનું સન્માન મળશે. ગોલ્ડન બ્રિજ આગામી તિરંગાના રંગે રંગાઈ દેશનો પહેલો બ્રિજ બનશે જેને આ ગૌરવ પ્રાપ્ત થશે.
141 વર્ષના ઐતિહાસિક બ્રિજની એક ઝલક
1941માં બ્રિજ ઉપર ટ્રેનની જગ્યાએ વાહનો દોડાવાયાં : નર્મદા નદી ઉપર સૌપ્રથમ બ્રિજનું બાંધકામ 1860 માં થયું હતું. 67 ગાળાનાં પુલની ઊંચાઇ 62.6 ફૂટ હતી. બ્રિજ રેલવે માટે બનાવાયો હતો. 1935 માં ગોલ્ડનબ્રિજની બાજુમાં નવો પુલ બનાવાયો જેનું નામ સિલ્વર જયુબિલી બ્રિજ અપાયું. જે બાદ સિલ્વર બ્રિજ ઉપરથી ટ્રેન સેવા કાર્યરત થતા 1941 થી ગોલ્ડનબ્રિજ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવાયો. 1947માં આઝાદી બાદ ગોલ્ડનબ્રિજને ને.હા. નં 8 સાથે જોડી આસ્ફાલ્ટનો બનાવાયો.
દેશમાં પ્રથમ ટોલટેક્ષ આ બ્રિજ પર લેવાતો
ગોલ્ડન બ્રિજનાં સમારકામ અને જાળવણી માટે 1941-42માં ગોલ્ડનબ્રિજ ઉપરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવાતો હતો.જે દેશમાં પ્રથમ ટોલટેક્ષ હતો. જોકે, સ્વરાજય મળ્યાં બાદ ટોલટેક્ષ નાબૂદ કરાયો હતો.
2021 માં નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયો
1970 માં નવા બ્રિજની જરૂરિયાત ઉભી થતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં હસ્તે 24 એપ્રિલ 1977 માં 1350 મીટર લંબાઇનાં રૂ. 120 કરોડનાં ખર્ચે બનેલા સરદાર બ્રિજનું ઉદઘાટન કરાયું હતું. જેના ઉપર પણ ટ્રાફિક વધતાં 11 નવેમ્બર 2000 માં રૂ. 113 કરોડનાં ખર્ચે નવો સરદાર બ્રિજ બનાવાયો હતો. જે બાદ માર્ચ 2017માં PM મોદીએ કેબલબ્રિજ ખુલ્લો મુક્યો હતો. 19 ડિસેમ્બર 2015ના રોજ નર્મદા મૈયા બ્રિજ ₹400 કરોડ ખર્ચનું ભૂમિપૂજન તત્કાલીન CM આનંદીબેન પટેલે કર્યું હતું. જેને 2021 માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલ્લો મૂક્યો હતો.
બ્રિજ સાથે આટલા વર્ષોમાં આવેલા ઉતાર ચઢાવ
બ્રિજનો ખર્ચ : બ્રિજ માટે 1860 થી 1871 સુધીમાં રૂ. 46.93 લાખ ખર્ચ થયો. તો 1.50 લાખનાં ખર્ચે વર્ષ 1876માં લક્કડીયો પુલ બનાવાયો હતો. 1881માં હાલનો ગોલ્ડનબ્રિજ 3.07 કરોડનાં ખર્ચે બન્યો. અને મરામત પાછળ વર્ષ 2001-2002માં રૂ. 30 લાખનો ખર્ચ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.