મોંઘવારીનો વધુ એક માર:નગર પાલિકાએ હાઉસ ટેકસમાં 10 % નો વધારો ઝીંક્યો

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંકલેશ્વરના 33 હજાર કરતાં વધારે મિલકતધારકો ઉપર વધારાનું 1 કરોડ રૂપિયાનું ભારણ આવશે
  • પ્રોત્સાહક યોજનામાં 5 ટકાનું વળતર આપી બીજી તરફ વેરામાં વધારો કરી દેવાતાં મિલકત ધારકોમાં કચવાટની લાગણી ફેલાઇ

વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મુકી છે તેવામાં હવે અંકલેશ્વરવાસીઓના માથે હાઉસટેકસમાં 10 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. એક તરફ સરકાર આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 5 % વળતર આપી રહી છે તો બીજી તરફ વેરામાં 10 ટકાનો વધારો કરી દેવાયો છે. વેરાના નવા દરોથી 33 હજાર કરતાં વધારે મિલકતધારકો ઉપર વધારાનું એક કરોડ રૂપિયાનું ભારણ આવી પડશે.

કોરોનાની મહામારીના કારણે સરકારે વેરાઓમાં લોકોને રાહત આપી હતી પણ હવે ફરીથી વેરા વસુલાતમાં નિયમોનું અમલીકરણ કરાય રહયું છે. સરકારી નિયમ મુજબ અંકલેશ્વર નગરપાલિકાએ હાઉસટેકસમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને વેરાના નવા દરો ચાલુ વર્ષથી જ અમલમાં આવી જશે.

અંકલેશ્વર નગરપાલિકાના ચોપડે 24 હજાર જેટલાં રહેણાંક અને 09 હજાર જેટલાં કોર્મશિયલ મિલકતધારકો નોંધાયેલાં છે. આ મિલકત ધારકો પાસે ગત વર્ષે 9.65 કરોડ રૂપિયાની રકમ પાલિકાએ વેરા પેેટે વસુલી હતી. હવે નવા દરો બાદ આ રકમ વધીને 10.65 કરોડ રૂપિયા થઇ જશે. 10 ટકાના વધારા સાથે મિલકતધારકો પર 1 કરોડથી વધુ રૂપિયાનું ભારણ આવી પડશે.

એક તરફ સરકાર નિયમિત વેરો ભરનારાઓને 5 ટકા પ્રોત્સાહક વળતર આપી રહી છે અને બીજી તરફ હાઉસ ટેકસમાં સીધો 10 ટકાનો વધારો ઝીકી દેતાં મિલકતધારકોમાં કચવાટ જોવા મળી રહયો છે. આ બાબતે પાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે, સરકારે પાલિકાઓના સ્વભંડોળ માટે પરિપત્ર જાહેર કર્યો છે અને સરકારના નિયમો મુજબ હાઉસ ટેકસના સ્લેબમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વેરાની રકમ ભરવા છતાં પાલિકા માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહી છે તેવામાં ભાવ વધારો યોગ્ય નથી.

5 ટકાની મર્યાદિત રાહત સામે 10 ટકાનો માતબર વધારો
ફેબ્રુઆરી મહિનામાં સરકારે આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મુકી હતી. વેરાની રકમ બાકી પડતી હોય તેવા મિલકતધારકોએ યોજનાનો લાભ લીધો હતો. પહેલાં બે મહિના સુધી 10 ટકાની રાહત આપવામાં આવી હતી જયારે અત્યારે માત્ર 5 ટકા રાહત આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ ટકાવારી હજી પણ ઘટી શકે છે.

વિકાસકામો માટે નાણાંની જરૂર પડતી હોય છે
પાલિકાના કાર્યક્ષેત્રમાં વધતા જતા વિસ્તાર અને વિકાસના કામો માટે નાણા મળી રહે તે માટે ટેકસના સ્લેબમાં વધારો કરવામાં આવતો હોય છે. પાલિકાના સ્વભંડોળમાં વધારો કરવા માટે દર બે વર્ષે 10 ટકા હાઉસટેકસ વધારવામાં આવે છે. વધતી જતી મોંઘવારી વચ્ચે વેરાનો વધારો પ્રજા માટે અસહ્ય બની રહેશે.

ચાલુ વર્ષથી જ નવા દરો પ્રમાણે વેરો ભરવાનો રહેશે
પાલિકા વિસ્તાર ના મિલકત ધારકો પાસે વસુલવામાં આવતા હાઉસ ટેક્સ માં 10 % નો વધારો લાગુ પડ્યો છે. ચાલુ વર્ષથી જ નવા દર પ્રમાણે ટેકસ ભરવાનો રહેશે. આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ટેક્સ પર 5 % ની રાહત છે. મહત્તમ ટેક્સ ધારકો આ યોજના નો લાભ લઇ ટેક્સ માં રાહત મેળવી શકે છે. - આસિફ શેખ , હાઉસ ટેક્સ અધિકારી, અંકલેશ્વર પાલિકા

જિલ્લાની અન્ય પાલિકાઓ પણ વેરામાં વધારો કરશે
અંકલેશ્વર નગરપાલિકાએ સરકારના નિયમ મુજબ હાઉસટેક્ષમાં વધારો કર્યો છે. અંકલેશ્વર બાદ ભરૂચ, જંબુસર અને આમોદ નગરપાલિકામાં પણ વેરાનો વધારો થાય તેવી શકયતા છે. ભરૂચ નગર પાલિકાની વાત કરવામાં અાવે તો શહેરમાં 66 હજાર કરતા વધારે મિલકત ધારકો નોંધાયેલા છે. જો વેરામાં વધારો ઝીંકવામાં અાવશે તો આ તમામ મિલકત ધારકોના માથે વધુ આર્થિક ભારણ પડશે.

અન્ય સમાચારો પણ છે...