સમગ્ર ઘટના CCTVમાં કેદ:અંકલેશ્વરની નવજીવન હોટલ પાસે પિક-અપ લઈને આવેલા પાંચ તસ્કર માત્ર નવ મિનિટમાં આખું ATM ઉઠાવી ગયા

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરની નવજીવન હોટલ પાસે ATM ચોરીમાં CCTV ફૂટજ સામે આવ્યા
  • પિક-અપ રિવર્સમાં કરી ATM મશીનના કાચ તોડ્યા, યુપીએસ બહાર ફેંક્યા

અંકલેશ્વર NH 48 પર આવેલી હોટલ નવજીવન પરિસરમાંથી માત્ર 9 મિનિટમાં પિક-અપ વાન લઈને આવેલા 5 તસ્કર તોડ ફોડ કરી ₹1.50 લાખનું મશીન અને ATM અંદર રહેલા રોકડા ₹ 4.27 લાખની ચોરી કરી ગયા હતા. અંકલેશ્વર હાઇવે પર મધરાતે આખેઆખા હિટાચી ATMની ચોરીની ઘટનામાં બાજુમાં આવેલી મોબાઇલની દુકાનના કેદ થયેલા CCTV ફૂટેજ બહાર આવ્યા છે.

મધરાતે 2.06 કલાકે બોલેરો પિક-અપ વાન લઈ કાપોદ્રા પાટિયા પાસેની નવજીવન હોટલ પર તસ્કરો ત્રાટકયા હતા. પિક-અપ વાન ATM સેન્ટર પાસે પહેલેથી જ રિવર્સમાં લઈ જઈ મોં પર રૂમાલ બાંધેલા 25થી 30 વર્ષના 4થી 5 તસ્કરોએ તોડફોડ શરૂ કરી દીધી હતી. આખેઆખું મશીન ઉઠાવી તસ્કરો 9 મિનિટમાં જ ફરાર થઈ ગયા હતા. ભરૂચ સંતોષી વસાહતમાં રહેતા અને 4 વર્ષથી હિટાચી સર્વિસ પ્રા. લિ. કંપનીમાં ચેનલ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા મોહમદ હુસૈન પટેલે જણાવ્યું હતું કે બે વર્ષથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કંપનીનાં 47 ATM મશીન મુકાયાં છે.