ડ્રાઈવરને દોડાવી દોડાવીને માર્યો:અંકલેશ્વર હાઇવે પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત; ઉશ્કેરાયેલા લોક ટોળાએ ડમ્પર ચાલકને માર માર્યો

અંકલેશ્વર22 દિવસ પહેલા

અંકલેશ્વરના હાઇવે ઉપર આવેલા આમલાખાડી બ્રિજ પાસે એક ડમ્પર ચાલકે બાઈક સવાર વિદ્યાર્થીને અડફેટેમાં લેતા અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જોકે ઉશ્કેરાયેલા લોક ટોળાએ ડમ્પર ચલાકને દોડાવી દોડાવીને માર માર્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળ પર દોડી આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડમ્પરની અડફેટમાં રોડ પર પટકાયેલાં વિદ્યાર્થીનું મોત
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા આમલાખાડી બ્રિજ પાસે એક વિદ્યાર્થી પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે માટેલા સાંઢની જેમ આવેલા એક ડમ્પરના ચાલકે બાઈક સવાર વિદ્યાર્થીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાઈક સવાર રોડ ઉપર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ તેનું મૃત્યુ નિપજ્યુ હતું. અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતાં લોકો તાત્કાલીક દોડી આવ્યા હતાં. જોકે આ સમયે વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હોવાના કારણે લોકો ઉશ્કેરાયા હતા. આ સમયે સ્થળ પર ઉશ્કેરાયેલા લોક ટોળાએ ડમ્પર ચાલકને નિશાન બનાવી માર માર્યો હતો. જોકે ટોળુ જોઈ ભાગવા જતા ચાલકને લોકોએ દોડાવી દોડાવીને માર માર્યો હોવાના વીડિયો વાઇરલ થયા છે.

પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
બનાવની જાણ થતાં અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતમાં મોત નિપજેલા વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતમાં મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...