કાર્યવાહી:સરપંચ-તલાટીએ ફસાવ્યાની રાવ સાથે પરિવારની અનશનની ચીમકી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉચાપત કેસના આરોપીના પરિવારે તે નિર્દોષ હોવાની કેફીયત કરી હતી. - Divya Bhaskar
ઉચાપત કેસના આરોપીના પરિવારે તે નિર્દોષ હોવાની કેફીયત કરી હતી.
  • ગડખોલ ગ્રા.પં.માં 1.16 કરોડની ઉચાપતનો મામલો

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી સહીત 7 આરોપીઓએ ભેગા મળી 1.16 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપી નિતિન સોલંકીની પોલીસે ધરપકડ કરતાં તેના પરિવારે ગંભીર આરોપો લગાવી અનશન પર ઉતરવાની ચીમકી આપી છે.

ગડખોલ ગ્રામ પંચાયતમાં 15મા નાણાપંચની ગ્રાંટમાંથી વિકાસના 44 કામો માટે 1.16 કરોડ રૂપિયાની માતબર રકમનું ચાર એજન્સીઓમાં પેમેન્ટ કરી ઉચાપત કરવામાં આવી હોવાની ફરીયાદ નોંધાય છે. ગડખોલના સરપંચ મંજુલા પટેલ, તલાટી દીરલ પટેલ, તાલુકા પંચાયતના પુર્વ કર્મચારી નિતિન સોલંકી સહિત સાત આરોપીઓ સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસે ગુનો નોંધી એક આરોપી નિતિન સોલંકીની ધરપકડ કરી છે. આરોપી નિતિન સોલંકી અગાઉ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતો હતો તેણે સરપંચ અને તલાટીને મળેલાં ડીજીટલ સિગ્નેચર સર્ટિફિકેટની મદદથી એજન્સીઓના બેંક ખાતામાં માતબર રકમ ટ્રાન્સફર કરાવી હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આરોપી નિતિન સોલંકીની ધરપકડ કરી છે.

બીજી તરફ પોલીસે આરોપી નિતિન સોલંકીની ધરપકડ કરતાંની સાથે તેના પરિવારે ગંભીર આરોપો લગાવ્યાં છે. તેના પરિવારે પોલીસ કંટ્રોલરૂમમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તત્કાલીન ટીડીઓ ધવલ પટેલ, સરપંચ મંજુલા પટેલ, રોહન પટેલ, જીગીશા પટેલ, તલાટી દીરલ પટેલ, તુષાર પટેલ, ભરત ભરવાડ, ખુશાલ પટેલ અને અમિત પટેલ પર ગંભીર આરોપ લગાવ્યાં છે.

ગત 12 મી ઓક્ટોબર ના રોજ ગડખોલના તલાટી દિરલ પટેલે ફોન કરી નિતિન સોલંકીને બોલાવી સરપંચના ઘરે લઇ ગયા હતાં અને લેપટોપ મંગાવી તેને માર માર્યો હતો અને કબુલાત કરાવતો વિડીયો બનાવ્યો હોવાનો નિતિનની બહેનોએ આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, સરપંચ અને તલાટી તેના ભાઇને ખોટી રીતે ફસાવી રહયાં છે.

તલાટી-સરપંચની મંજુરી વિના આવું શકય જ નથી. મારા ભાઇને આ પહેલાં પણ પોલીસ સ્ટેશન બોલાવી પાંચ દિવસ સુધી બેસાડી રાખ્યો હતો. આ કેસમાં સંડોવાયેલ વગદાર આરોપીઓની પોલીસ ધરપકડ નહિ કરે તો આખો પરિવાર એસપી કચેરી સામે અનશન પર ઉતરશે તેવી ચીમકી આપી છે.

તલાટી દીરલ પટેલ અગાઉ વિવાદમાં રહી ચૂકયાં છે
ગડખોલ ગામના તલાટી દીરલ પટેલ ઉપર 1.16 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપતનો આરોપ લાગ્યો છે. અંતરંગ વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે દીરલ પટેલ અગાઉ ઝઘડીયા તાલુકાના એક ગામમાં તલાટી તરીકે કામ કરતાં હતાં પણ ત્યાં વિવાદ થતાં તેમની બદલી અંકલેશ્વર તાલુકામાં કરી નાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...