ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ અને ઝઘડિયા વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોએ અંકલેશ્વર- વાલિયા સ્ટેટ હાઇવે બિસ્માર બનતા કોંઢ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. વાલિયા પોલીસે 14 કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
ચાર મહિના પહેલા બનેલા માર્ગ પણ ભ્રષ્ટાચારના કારણે બિસ્માર બન્યા છે
ભરુચ જિલ્લા યુથ કોંગ્રેસ અને ઝઘડીયા વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોએ બિસ્માર માર્ગોના કારણે કોંઢ ગામે બસ સ્ટેન્ડ નજીક ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. અંક્લેશ્વરથી વાલીયા, નેત્રંગ જવાનો માર્ગ વરસાદના કારણે બિસ્માર બનતાં વાહન ચાલકોને ભારે હાલાકી સાથે આર્થિક નુક્શાની વેઠવાનો વારો આવ્યો છે. હમણાં ચાર મહિના પર બનેલો વાલીયાથી સીલુડી, વાલીયાથી ડહેલી,વાડી ગામ તરફના તમામ રસ્તાઓ ભ્રષ્ટાચારના લીધે ટુટી ગયાં હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા હતા.
સરકાર પ્રજાના ટેક્ષના નાણાંનો દુરુપયોગ કરતી હોવાનો આક્ષેપ
જિલ્લામાં કેટલાય સમયથી વરસાદ બંઘ હોવા છતાય ભરૂચ આર.એન. બી. વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પેચ વર્કની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે આમ જનતાને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. જેના વિરોધમાં ગઈ કાલે યુથ કોંગ્રેસ દ્વારા ભરૂચ આરએનબી કચેરીએ વિરોધ નોંધાવીને કચેરીને તાળા બંધીનો કાર્યક્રમ આપ્યો હતો. જયારે આજે અંકલેશ્વર વાલિયા વચ્ચેનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો ભારે હાડમારી વેઠી રહ્યા છે. જેથી કોંગ્રેસ દ્વારા કોંઢ ગામના બસ સ્ટેન્ડ પાસે બિસ્માર રોડના પગલે વિરોધ પ્રદર્શન યોજીને ચક્કાજામ કર્યું હતું.જેમાં કોંગ્રેસના આગેવાનોએ સરકાર પ્રજાના ટેક્ષના નાણાંનો દુરુપયોગ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા
અંકલેશ્વર-વાલીયાનો માર્ગ અત્યંત બિસ્માર બનતા કોંગી આગેવાનો અને કાર્યકરોએ કોંઢ પાસે વિરોધ નોંધાવ્યો હતો.તે સમય વાલીયા પોલીસના કાફલાએ સ્થળ ઉપર પહોંચી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવા જતાં સ્થળ ઉપર ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતાં. જોકે વાલીયા પોલીસે ચકાકજામમાં સંદીપ માંગરોલા, શકીલ અકુજી, શેરખાન પઠાણ, વિજય વસાવા, ફતેસિંહ વસાવા સહિતના 14 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.