કોરોનાની મહામારી વખતે ટ્રેન અને બસ સેવાઓ બંધ થઇ જતાં પરપ્રાંતિય શ્રમિકો પગપાળા જ વતન જવા માટે નીકળી ગયાં હતાં તેવો જ માહોલ બુધવારની રાત્રિએ અંકલેશ્વરની નજીક આવેલાં સંજાલી ગામમાં જોવા મળ્યો હતો. રાત્રિના સમયે લોકોને અચાનક આંખોમાં બળતરા, શ્વાસમાં તકલીફ અને ઉલટીઓ થવા લાગી હતી. ગામમાં નાસભાગનો માહોલ હતો તેવામાં કેટલાય પરપ્રાંતિય શ્રમિકોએ પોતાના વતનમાં પરત જવા માટે સામાન સાથે ભરૂચ રેલવે સ્ટેશન પર ધામા નાંખી દીધાં હતાં. કેટલાક સેવાભાવી યુવાનોને જાણ થતાં તેઓ સ્ટેશન પર દોડી ગયાં હતાં અને તેમને સાચી હકિકતથી વાકેફ કરી તેમને પરત લાવ્યાં હતાં. પાનોલી જીઆઇડીસીમાં આવેલી અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં આગ બાદ કલોરીન ગેસ લીકેજ થતાં આખું ગામ ખાલી કરી દેવાયું હતું.
ગુરૂવારના રોજ સંજાલી ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, 42 લોકોની તબિયત લથડી હોવાથી તેમને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. સ્થિતિ નિયંત્રણમાં હોવા છતાં ગામલોકોમાં હજી ડરનો માહોલ છે અને તેઓ કઇ બોલવા તૈયાર થઇ રહયાં ન હતાં.ગામના આગેવાન મૌલાના સાકિર ભૈયાતે જણાવ્યું હતું કે, આ ઘટના ઘણી ગંભીર છે, જો વધારે ગેસ ઉત્પન્ન થયો હોત તો મોટી જાનહાનિ થઇ હોત. આ ઘટનાના કસુરવારો સામે કાર્યવાહી નહિ થાય તો આંદોલન કરાશે. બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગે કંપનીમાં ઉત્પાદનની કાર્યવાહી બંધ કરાવી દીધી હોવાનું તપાસ અધિકારી આશુતોષ મેરાઇએ જણાવ્યું હતું.
ગેસની અસર થતાં પરપ્રાંતિય શ્રમિકો જે વાહન મળ્યું તેમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યાં હતાં
98 લોકોને સારવાર આપવામાં આવી છે
સંજાલીની ઘટનામાં 108 પર 8 :48 વાગ્યે પ્રથમ કોલ આવ્યો હતો જેની 22 મિનિટમાં સ્થળ પર 6 એમ્યુલન્સ હતી અને કુલ 9 એબ્યુલસ દોડાવીને 42 વ્યક્તિને અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં હતાં જયારે 56 વ્યક્તિ ને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.> ચેતન ગાધે , પ્રોગ્રામ મેનેજર, 108
લોકોને સમજાવટ કરીને પરત લાવવાનો પ્રયાસ
ગેસની અસર થતાં લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યાં હતાં. ગભરાયને લોકો વતન જવા માટે નીકળી ગયાં હતાં.અમે રેલવે સ્ટેશન પરથી પરત લાવ્યાં છે પણ લોકો હજી ગભરાયેલાં છે.. > રજનીશસિંગ , સામાજીક કાર્યકર્તા
ગાંધીનગરની વડી કચેરીએ રિપોર્ટ કર્યો છે
આગ લાગેલા પ્લાન્ટમાં અન્ય કેમિકલના કારબા હતાં અને પાણી સાથે રાસાયણિક પક્રિયા થતાં કલોરીન ગેસ ઉત્પન્ન થયો હતો. ગેસ સંજાલી ગામમાં ફેલાતાં નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી હતી. આખી ઘટના અંગે વડી કચેરીમાં રીપોર્ટ કર્યો છે. > વિજય રાખોલીયા , રીજીયોનલ મેનેજર, જીપીસીબી
અસરગ્રસ્તોમાં મહિલાઓ અને વૃદ્ધો વધારે
સંજાલી ગામમાં 98થી વધારે લોકોને કલોરીન ગેસની અસર થઇ હતી. જેમાં મોટા ભાગનાદર્દીઓ વૃદ્ધ, મહિલાઓ અને બાળકો હતા. આ ઉપરાંત જયાબહેન મોદી ખાતે પણ વિશેષ વોર્ડ તાત્કાલિક અસર થી ઉભો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.