બુદ્ધિજીવી વર્ગની અપીલ:અંકલેશ્વરમાં સર્જાતા ટ્રાફિક જામથી લોકો ત્રસ્ત; રોજ 5થી 7 કિલોમીટર વાહનોની લાંબી કતારો

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર 48 પર લગાતાર ચાર દિવસથી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. જેના કારણે રાજપીપળા ચોકડી, વાલિયા ચોકડી, નિલેશ ચોકડી સહીત નવજીવન ચોકડી સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે. ગત રોજ વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર પણ ટ્રાફિક જામ સર્જાયો હતો.

દરરોજ લોકો ત્રણથી ચાર કલાક ટ્રાફિકમાં અટવાય છે
અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા 4 દિવસથી ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. રોજે રોજ ટ્રાફિક જામના દૃશ્યો સામે આવી રહ્યાં છે. ક્યારેક વડોદરા તરફ જતો ટ્રેક, તો ક્યારેક સુરત તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. રોજ 5થી 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. જેને લઇ વાહન ચાલકો પરેશાન બની ઉઠ્યા છે. રોજ 3થી 4 કલાક લોકોને આ ટ્રાફિક જામમાં અટવાવું પડે છે.

વાહન વ્યવહાર દિવસે દિવસે વધી જતા ટ્રાફિક જામ સર્જાય છે
ટ્રાફિક જામ સર્જાવા પાછળનું કારણ જાણવા હાઇવે ઓથોરિટીનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે, હાઇવે પર ટ્રાફિક ભારણ વધી રહ્યું છે. આ વચ્ચે વાલિયા ચોકડી પર હવા મહેલ પાસે હાઇવેને જોડતા માર્ગ પરથી હાઇવે પર પ્રવેશતી વેળા નજીક રહેલા આમલાખાડી બ્રિજ હવે સાંકડો બની રહ્યો છે. જેને લીધે જલ્દી નીકળવામાં માર્ગ પર ટ્ર્રાફિક સર્જાઈ રહ્યો છે. આ ઉપરાંત વાહન વ્યવહાર દિવસે દિવસે વધી જતા રોજ બરોજ વાલિયા ચોકડી નજીક ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.

તંત્ર દ્વારા કોઈ એક્શન પ્લાન બનાવવામાં આવે તેવી માગ
વાલીયા ચોકડી પર બનેલા બ્રિજ પર સર્જાતા ટ્રાફિક જામની અસર ચોકડી નીચે પણ જોવા મળે છે. જ્યાં ચોકડી નીચે પણ ઉપરથી વાહનો આવી જતા ચોકડી પર જુના નેશનલ હાઇવે નંબર 8 અને વાલિયા સ્ટેટ હાઇવે તરફ જતા માર્ગ પર પણ ટ્રાફિક સર્જાય છે. ખાસ કરીને પીક અવર્સમાં આ સમસ્યા વધુ ઘેરી બની રહી છે. હાઇવે ઓથોરિટી જિલ્લા ટ્રાફિક તેમજ સ્થાનિક પોલીસ તંત્ર માટે આ ટ્રાફિક નિયંત્રણ કરવું ભારે પડી રહ્યું છે. ત્યારે પિક અવર્સ અને અન્ય સમસ્યાને લઇ એક્શન પ્લાન તજજ્ઞોની મદદથી તૈયાર કરી અમલમાં મુકવામાં આવે તેમ બુદ્ધિજીવી વર્ગ અપીલ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...