ભરૂચ જિલ્લામાં અભ્યાસ અધુરો છોડી દેનાર તથા કોઇ દિવસ શાળાએ નહી ગયેલાં બાળકોને શોધી કાઢવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા શિક્ષણથી બાળકો વંચિત ના રહી જાય તે માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ જિલ્લામાં 9 તાલુકામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકો માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
શૈક્ષણિક વર્ષ 2022-23ના વર્ષ માટે જૂન મહિનાથી સર્વે નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કદી શાળાએ નહિ ગયેલા તેમજ શાળાનો કોઈ કારણસર અભ્યાસ છોડી દીધેલા બાળકોને શોધી તેમના વાલીઓને સમજાવવામાં આવી રહયાં છે. વાલીઓને સમજાવીને તેમના બાળકોને શાળામાં મોકલવા માટે અનુરોધ કરાઇ રહયો છે.
જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ 9 તાલુકામાં બી. આર.સી. ભવન થી સી.આર.સી કલસ્ટર કક્ષા એ તેમજ શાળા વિસ્તારમાં શિક્ષકો તેમજ શિક્ષક સહાયકો સર્વેની કામગીરી કરી રહયાં છે.
RTE હેઠળ મફત શિક્ષણની જોગવાઇ
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની જોગવાઈ અનુસાર 6 થી 18 વર્ષ ની વયજૂથ ના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવાનો અધિકાર છે. જેમાં 100 % નામાંકન કરવાના ઉદ્દેશ્ય સાથે તમામ બાળકો શિક્ષણ મળી રહે તે ઉદ્દેશ સાથે સર્વે કરાઈ રહ્યો છે. જેમાં જે બાળકો કદી શાળાએ ગયા નથી.અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધી છે. તેવા બાળકો ને નજીક ની શાળામાં વયકક્ષા મુજબ શિક્ષણ મળી રહે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આગામી સત્રમાં વધુ 11 શાળા વોકેશનલ શિક્ષણ પણ મળશે
ગત સત્રથી વિદ્યાર્થીઓ માટે વોકેશનલ ટ્રેનિંગની પણ શરૂઆત કરાઈ છે. જેમાં પ્રથમ ચરણમાં 4 શાળામાં આ વર્ગો શરૂ કરાયા હતા તેમાં વધારો કરતા વધુ 11 જેટલી શાળામાં વોકેશનલ ટ્રેનિંગ વર્ગો શરુ કરવામાં આવશે. તરુણોને શાળા માજ વ્યવસાય લક્ષી શિક્ષણ મળી રહેશે.
રેસિડેન્સિયલ હોસ્ટેલમાં પણ છાત્રોને એડમિશન અપાશે
જંબુસર માલપુર તેમજ હાંસોટના આંકલવા ખાતે બે રેસીડેન્સીયલ હોસ્ટેલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગ સહીત તમામ બાળકો માટે હોસ્ટેલ તેમજ અભ્યાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. હાંસોટના આંકલવા ખાતે પ્રાથમિક 17 જેટલા બાળકોને પ્રવેશ પણ આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.