એનસીટીની પાઇપ લાઈનમાં સજોદ નજીક ભંગાણ સર્જાયું છે. એનસીટીના ગાર્ડ પોન્ડ ભરાતા કેમિકલ યુક્ત પાણી બારોબાર આમલાખાડીમાં વહેતું થયું છે. ઘટનાને પગલે અંકલેશ્વર અને પાનોલીના 1700 ઉદ્યોગોનું એફ્લુઅન્ટ નહિ છોડવા તાકીદ કરાઈ છે. 2 દિવસીય સમારકામને લઇ ઉદ્યોગો બંધ રહેતા ઉત્પાદન લોસનો ખતરો ઉભો થયો છે.
જીપીસીબી એ સ્થળ પર દોડી આવી સેમ્પલ લઈ ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કર્યો હતો તેમજ એનસીટી ને સ્થળ નોટિસ ફટકારી હતી. સોમવારે રાતે ઉદ્યોગોને જાણ કરવા છતાં પ્રદુષિત પાણીનો વધુ જથ્થો આવી જતા આમલાખાડીમાં દૂષિત પાણી ફરી વળ્યા હતા.
ઉમરવાડા જતા રસ્તા પર આવેલ પુલ પરથી આમલાખાડીમાં લાલ કલરનું અને તીવ્ર વાસવાળું પ્રદુષિત પાણી વહી રહ્યું હોવાનું સ્થાનિક પર્યાવરણ સંસ્થાને માલુમ પડતાં તપાસ કરતા આ એફ્લુઅન્ટ NCT પ્લાન્ટમાંથી આવતું હોવાની શંકાના આધારે NCT પ્લાન્ટમાં જતા ત્યાં નજરે જોતા જણાયું હતું કે, અંકલેશ્વર અને પાનોલી માંથી આવતા પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર આમલાખાડીમાં મોટા બે પાઇપો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. જેની ફરિયાદ GPCBને કરતા ટીમે સ્થળ તપાસ અને સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે.
પીરામણ પંચાયતના તલાટી રૂબરૂ પંચકેશ કરી પોલીસમાં અરજી અપાઇ છે. NCT ના અને નોટિફાઇડના વિભાગોના મુખ્ય અધિકારીના કહેવા મુજબ સજોદ નજીક NCT ની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા રાત્રે ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપી હોવા છતાં એફ્લુઅન્ટની આવક ચાલુ રહી હતી. NCTમાં આવેલ રિઝર્વ ગાર્ડ-પોંડ પણ ફૂલ હોવાથી આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહેતું હતું.એનસીટીની પાઇપ લાઇન માં પડેલા ભંગાણને લઇ ગુરુવાર સુધી સંપૂર્ણ રીપેરીંગ વર્ક પૂર્ણ થવાની શક્યતા છે. જેને લઇ લાઈન ચાલુના થાય ત્યાં સુધી ઉદ્યોગો પ્રદુષિત પાણી નહિ છોડવાની તાકીદ સાથે ઉદ્યોગો બંધ રાખવાની સૂચના આપી છે. જેને લઇ બને વસાહતના 1700 ઉદ્યોગોને પણ તેમને ડિસ્ચાર્જ બંધ કરાવતા પ્રોડક્શન લોસ વેઠવો પડશે.
પાઇપ લાઇનની મરામતનું કામ ગુરૂવાર સુધી ચાલે તેવી શક્યતા
રાત્રે 12.30 કલાકે સજોદ નજીક ભંગાણ પડ્યું હતું. અંકલેશ્વર અને પનોલી 170 ઉદ્યોગને તેમનું પ્રદુષિત પાણી નહીં છોડવા સૂચના આપી હતી. બીજી તરફ NCT ની લાઈનમાં ફ્લો વધુ હોય જેસીબી દ્વારા 2 મીટર નીચે આવેલી લાઈનમાંથી પાણી કાઢી હાલ લીકેજ શોધવામાં આવી રહ્યું છે. લીકેજ મળ્યા બાદ રીપેરીંગ વર્ક ગુરુવાર સુધીમાં થવાની સંભાવના છે.> પ્રફુલ પંચાલ, ચીફ ઓપરેશન હેડ, એનસીટી અંકલેશ્વર
સ્થળ તપાસ કરી સેમ્પલ લીધા બાદ NCTને સ્થળ પર જ નોટિસ આપી છે
સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથે જ આમલાખાડીમાં પ્રદુષિત પાણી ઠલવાતા સ્થળ નોટિસ આપવા આવી છે. ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ મોકલાશે. જે બાદ વડી કચેરીની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરાશે. તેમજ ભંગાણને લઇ બંને એસેટમાં મોનીટરીગ પણ વધારાયું છે. > આર.આર. વ્યાસ, પ્રાદેશિક અધિકારી જીપીસીબી, અંકલેશ્વર
ઉદ્યોગોમાં પોન્ડ ગાર્ડના અભાવે સમસ્યા ઉદભવી
ઉદ્યોગોને પ્રદુષિત પાણીના સંગ્રહ માટે પોન્ડ ગાર્ડ (તળાવ) બનાવવાની સૂચના અપાઈ છે. નાની કંપની 24 અને મોટા ઉદ્યોગો 48 કલાક પ્રદુષિત પાણી સંગ્રહ કરી શકે તેવા પોન્ડ ગાર્ડ બનાવવાના હોય છે. જે બાદ NCT માં એફ્લુઅન્ટ છોડવાનું હોય છે પણ તેમ નહીં થતાં સમસ્યા ઉદભવી છે.
બેફામ ઉદ્યોગો પર GPCBનો અંકુશ નથી
NCT, નોટિફાઇડ અને ઉદ્યોગો બધા જ નિયમોનો ભંગ કરે છે. અને આ બધા ઉપર અંકુશ રાખવાની કાયદાકીય સત્તાઓ જેમની પાસે છે એવો સરકારી વિભાગ એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું તેમના પર કોઈ અંકુશ હોય એમ લાગી રહ્યુું નથી.> સલીમ પટેલ, પ્રકૃતિ સુરક્ષા મંડળ, સભ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.