નવો વળાંક:પૂરમાં ટ્રેકટર ચલાવવાના અનુભવી શ્રવણને નસીબે હાથતાળી આપી

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીલુદરામાં ટ્રેકટર વનખાડીના પાણીમાં ખેંચાવાની ઘટનામાં નવો વળાંક

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામે ટ્રેકટર પાણીમાં ખેંચાઇ જવાની ઘટનામાં એક વિડીયો સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહયું છે કે, ટ્રેકટરમાં કુલ છ લોકો સવાર હતાં. પાણીના કારણે રસ્તો દેખાતો ન હોવા છતાં ડ્રાયવર ટ્રેકટરને પાણીમાં ઉતારી દે છે. ખાડીના પુલ પર ઉતર્યાના 30 જ સેકન્ડમાં ટ્રેકટર પલટી મારી જાય છે અને તેમાં સવાર 6 લોકો પાણીમાં ગરકાવ થઇ જાય છે. આ ઘટનામાં ડ્રાયવરની બાજુમાં બેઠેલા ખેડુતનું મોત નીપજયું છે જયારે અન્ય પાંચ લોકોનો બચાવ થયો છે.

પીલુદરા ગામ નજીકથી પસાર થતી વનખાડીમાં દર ચોમાસામાં પુર આવે છે અને ખાડી પર બનાવવામાં આવેલો પુલ પાણીમાં ગરકાવ થઇ જાય છે. પુરના કારણે અનેકવાર ગામ તાલુકા મથકથી સંપર્કવિહોણું પણ બની જાય છે. કેટલીક વખત પાણી પ્રવાહ ધીમો અને ઓછો હોવાથી ખેડુતો તેમના ટ્રેકટર લઇને પાણીમાંથી પસાર થાય છે.

ગત રોજ જે ટ્રેકટર પાણીમાં ખેંચાયું હતું તેને શ્રવણ નામનો યુવાન ચલાવતો હતો અને તે અનેક વખત આ રીતે ટ્રેકટર લઇને પસાર થયો છે પણ ગતરોજ નસીબે તેને સાથ આપ્યો ન હતો. શ્રવણની બાજુમાં ગીરીશ પટેલ અને પાછળ ફાળકામાં 4 વ્યક્તિ ઉભા હતાં. મૃતક ગીરીશ પટેલનો મૃતદેહ ટ્રેકટર જયાં પલટી મારી ગયું હતું તેનાથી 10 ફુટ દુર કીચડમાં ખુંપાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

ગામના નીચાણવાળા વિસ્તારમાં પુલ છે
પીલુદરા ગામને જોડાતા વન ખાડી પુલનું લેવલ ગામના લેવલ કરતાં નીચું છે. જેના કારણે ચોમાસામાં વનખાડીના પાણી પુલની ઉપરથી પસાર થાય છે. ગતરોજ બનેલી ઘટનામાં ટ્રેકટરના ડ્રાયવરને રોડનો અંદાજ ન રહેતાં ટ્રેકટર પલટી મારી ગયું હતું તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

અમરતપુરા– સામોર વચ્ચેનો બ્રિજ પણ જોખમી
અમરતપુરા અને સામોર ગામ વચ્ચે પણ નદી પર વર્ષો જૂનો નાનો પુલ છે. જેના પર પણ કોઇ રેલિંગ કે આડાશ મુકવામાં આવી નથી.પ્રતિવર્ષ અમરાવતી ના ધસમસતા પાણીમાં પુલ આખો ડૂબી જતાં લોકોના માથે જોખમ ઉભું થાય છે. તંત્ર આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...