અંકલેશ્વર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના સંદર્ભમાં એસપી લીના પાટીલના અધ્યક્ષતામાં મળેલાં લોક દરબારમાં રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને હાઇવેને જોડતી ચોકડીઓ પર પીક અવર્સમાં થતાં ચકકાજામના નિકાલ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગ કરાય હતી.
અંકલેશ્વર શહેરના શેઠના હોલ ખાતે એસપી લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. શહેરમાં પોલીસને લગતા પ્રશ્નો તેમજ શહેરના વિવિધ વિસ્તાર ના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક ની સમસ્યા અંગે આગેવાનોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત વ્યાજખોરો ને લઇ બનતા બનાવો અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.
શહેરમાંથી પસાર થતા ભારે વાહન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે વહેલી તકે આ સમસ્યા નો ઉકેલ માટે ની બાંહેધરી આપવામાં આવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને રૂરલ પોલીસ મથક ના પોલીસ અધિકારી ઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભરૂચના ગોલ્ડનબ્રિજની બાજુમાં નર્મદા મૈયા બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યાં બાદ અંકલેશ્વર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે.
પીકઅવર્સમાં અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકજામ થતો હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. પ્રતિન ચોકડી, મહાવીર ટર્નિંગ, જીઆઇડીસી ઓવરબ્રિજ ખાતે સવારે અને સાંજે ટ્રાફિકજામ રહેતો હોવાથી હજારો વાહનચાલકો અટવાય જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે એકશન પ્લાન બનાવવાની માગ કરવામાં આવી છે.
એસડીએમ કચેરી પાસેના કટના કારણે મોટી સમસ્યા
નર્મદા મૈયા બ્રિજ પરથી આવતી કાર અને અન્ય વાહનોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. જુના નેશનલ હાઇવે પર એસડીએમ કચેરી પાસે આવેલાં કટના કારણે છાશવારે ટ્રાફિકજામ થાય છે. એસડીએમ કચેરી તરફથી આવતા અને જતાં વાહનોના કારણે જુના નેશનલ હાઇવે પરથી પસાર થતાં વાહનોને રોકાવાની ફરજ પડે છે જેના કારણે વાહનોની કતારો લાગી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.