રાહદારીઓમાં ભયનો માહોલ:વાલીયા-તુણા ગામને જોડતા રોડ પર દિપડોએ દેખા દીધી, વન વિભાગે પાંજરું મુકવાની કવાયાત હાથ ધરી

અંકલેશ્વરએક મહિનો પહેલા

અંકલેશ્વર નજીક આવેલા વાલિયા તાલુકાના તુણા ગામને જોડતા અંતરિયાળ માર્ગ પર દીપડો નજરે ચઢ્યો હતો. એક કાર ચાલકે તેના મોબાઈલમાં વીડિયો કલીપ બનાવી લેતા તે વાયરલ થઈ છે. જેના કારણે વાહન- ચાલકો અને રાહદારીઓમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે.

કાર ચાલકે દીપડાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો
અંકલેશ્વર-વાલીયા સહિતના અનેક વિસ્તારોમાં દીપડાઓ હોવાની અનેક કિસ્સો સામે આવ્યા છે. કેટલાય દીપડાઓને વન વિભાગની ટીમે પાંજરા મૂકી પકડીને સલામત સ્થળે છોડવામાં પણ આવ્યા છે. જોકે હજી પણ આપણા વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજે રવિવારના રોજ ભર બપોરના એક કાર ચાલક વાલીયાથી તુણા ગામને જોડતા અંતરિયાળ માર્ગ પરથી પસાર થયો હતો. તે સમયે રોડની સાઇડ પર એક દિપડો બેઠેલો નજરે પડ્યો હતો.

વન વિભાગે પાંજરું મુકવાની કવાયાત હાથ ધરી
પ્રથમ તો આ દીપડાને જોતા જ તેના હોશ ઉડી ગયા હતાં. પરંતુ તે કારમાં સેફ હોવાથી રોડની સાઇડમાં બેઠેલા દીપડાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ત્યાર બાદ દિપડો થોડો સમય બેઠા બાદ શેરડીના ખેતરમાં જતો રહ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં આસપાસના ગ્રામજનો અને રાહદારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે વન વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને પાંજરું મુકવાની કવાયાત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...