અંકલેશ્વર પંથકમાં હોળીના દિવસે વાતાવરણમાં પલટા વચ્ચે વાવાઝોડા સાથે પવન ફુંકાતા ઠેર-ઠેર વંટોળીયા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. મહત્તમ તાપમાન નીચે સરકતા ગરમીમાં આંશિક રાહત વચ્ચે ચાલીસથી પચાસ કિ.મિ.ની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરમાં ફુંકાયેલા વાવાઝોડાની સાથે આકાશમાં વાદળો સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. તેમજ ઠેર-ઠેર પાંદડા, કચરા વગેરેની ડમરી ઉડી હતી.
ચાર દીવસની આગાહીને પગલે વાતાવરણ પલટો આવ્યો હતો
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર દિવસ વાતાવરણમાં પલટો આવવાની આગાહી વચ્ચે સોમવારે હોળીના દિવસે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો.હતો. વાવાઝોડા સાથે ઝંઝાવાતી પવન ફુંકાયો હતો. ચાલીસથી પચાસ કિ.મી.ની ઝડપે ફુંકાયેલા મીની વાવાઝોડા જેવા પવનના પગલે ઠેર-ઠેર વંટોળીયા જેવા દૃશ્યો સર્જાયા હતા. દિવસભર અવિરત મીની વાવાઝોડા જેવા પવનના પગલે અવાર નવાર આકાશમાં વાદળોની હડીયાપટ્ટી સાથે અમુક સમયે વરસાદી માહોલ પણ રહ્યો હતો. શહેરમાં ઠેર-ઠેર વંટોળીયા સાથે તેજીલો પવન ફુંકાતા અમુક સ્થળોએ ર્હોડીગ્સ પણ તૂટી પડ્યાના સમાચારો મળ્યા છે. જયારે રાહદારીઓ, વાહનચાલકો ઉપરાંત દુકાનદારોએ પણ હાલાકી અનુભવી હતી. ભારે પવનની સાથે અમુક વિસ્તારમાં વરસાદ પણ વરસતા મહત્તમ તાપમાન પણ ઘટતા લોકોએ ગરમીથી આંશિક રાહતનો અહેસાસ કર્યો હતો.જ્યારે ભારે વાવાઝોડાના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.જયારે કેટલાય સ્થળોએ સંચાલકો દ્વારા તૈયાર કરેલી હોળી સાચવવા માટે દોડધામ મચી ગઇ હતી.
ઠેર ઠેર ધૂળની ડમરીઓઓ ઊડતી નજરે પડી હતી
શહેરમાં મીની વાવાઝોડા જેવા પવનના પગલે વંટોળીયા સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના પગલે ધુળની રજકણોને પગલે દુકાનદારોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. સાથો સાથ માર્ગો પર પણ ધૂળનું સામ્રાજય જોવા મળ્યુ હતુ. જેના કારણે વાહન ચાલકો પણ લાઈટો ચાલુ રાખીને વાહનો ચલાવતા નજરે પડ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.