અંકલેશ્વરના સર્વોદય નગર ખાતે ચોકડી ઉપર પાનના ગલ્લે આવેલા યુવાન પર એક્ટિવા અને કાર લઈને આવેલા 25થી વધુ અજાણ્યા લોકોએ તલવાર અને લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ઇજાઓ પહોંચી હતી. બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
યુવાન સાથે અપશબ્દો બોલી તકરાર કરી માર માર્યો
અંકલેશ્વરમાં સપના સોસાયટી આંબોલી રોડ ખાતે રહેતા સૈયદ અફઝલ હુસેન મયુદુમ ગત મોડી સાંજે ઘરેથી વિમલ લેવા માટે સર્વોદય નગર ચોકડીએ યાસીન ચાચાની દુકાન પર આવ્યો હતો. તે દરમિયાન સર્વોદય ચોકડી પાસે અજાણ્યા 20થી 25 ઈસમો એક એક્ટિવા ચાલક તેમજ અન્ય ગાડી અને ફોર વ્હીલ ગાડી લઇ ઉભા ઈસમો પૈકી એક ઇસમે અચાનક સૈયદ અફઝલ હુસેન મયુદુમ સાથે બોલાચાલી કરીને અપશબ્દો બોલીને માર માર્યો હતો.
અન્ય ત્રણ ઈસમોએ પણ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો
યુવક કઈ સમજે તે પહેલાં જ અજાણ્યા લોકોએ તલવાર વડે હુમલો કર્યો હતો. જે બાદ અન્ય 3 ઇસમોએ લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. જેમાં ઘાયલ સૈયદ અફઝલ હુસેન મયુદુમને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર ચાલી રહી છે. ઘટના અંગે શહેર એ-ડિવિઝન પોલીસ મથકે સૈયદ અફઝલ હુસેન મયુદુમએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ચાર જેટલા અજાણ્યા ઈસમોની શોધખોળ શરુ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.