બિસ્માર રોડને લઈ ગ્રામજનો રોષે ભરાયા:ઝઘડિયામાં ગ્રામજનોએ રોડ પર ટ્રેક્ટર, પથ્થરો તેમજ બાઇકો મૂકી ચક્કાજામ કર્યો; પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. જોકે પોલીસે સમજાવતા લોકો શાંત થઈને રોડની સાઇડ પર હટી ગયા હતાં.

રોડ પર વાહનોની લાંબી કતારો લાગી
ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક સ્ટેટ હાઇવે પર ખરચી ગામના લોકોએ બિસ્માર માર્ગ પરથી ઊડતી ધૂળના કારણે અનેક બીમારીઓ થાય છે. વાહનોની નુકસાન થાય છે, તેમજ અકસ્માતો પણ વધ્યા છે. જેથી ખરચી ગ્રામજનોએ રોડ પર ટ્રેક્ટર, પથ્થરો તેમજ બાઇકો મૂકી ચક્કાજામ કર્યો હતો. સ્ટેટ હાઇવેને બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ બનાવની જાણ ઝઘડિયા પોલીસને થતા પીઆઈ વામન ભરવાડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પુનઃ ચક્કાજામ કરાશે: ગ્રામજનો
આ અંગે ગ્રામજનો દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારી, મામતદાર અને PWD અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સમજાવવામાં આવતા આ રસ્તો ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો. સાથે જ આ સમસ્યાનું સમાધાન જલ્દીથી નહીં આવે અને ખરાબ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ફરીથી આ રસ્તો બંધ કરવામાં આવશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...