અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે સોનુ ચમકાવી આપવાના બહાને મહિલાનું 5 તોલા સોનુ કૂકરમાં નખાવી સિટી વગાડી 2 ઠગો છુમંતર થઈ જતા ચકચાર મચી ગઇ છે. ચાંદીની વાડકી ચમકાવી આપતા મહિલાને વિશ્વાસ બેસતા મંગલસૂત્ર, ચેઇન અને બે પાટલા કાઢીને આપી દેતા ભેજાબાજો સફાઈના નામે તે લઈ રફુચક્કર થઈ ગયા હતા.જો તમે ઘરમાં એકલા હોય અને કોઈ તમારા પાસે સોનું ચમકાવી આપવા આવે તો છેતરાશો નહિ. બાકી અંકલેશ્વરની મહિલા સાથે જે થયું તે તમારી સાથે પણ થઇ શકે છે.
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલી સહજાનંદ એપાર્ટમેન્ટમાં પૂર્ણિમાબેન દવે રહે છે. તેઓ ઘરે એકલા હોય તેમના ત્યાં ટાઈ પહેરી વાઈટ એન્ડ બ્લુ. કપડામાં બે ઠગ આવ્યા હતા. મહિલાને સોનુ ચમકાવી આપવા કહી ચાંદીની વાડકી ચકચકિત કરી આપતા મહિલાએ વિશ્વાસમાં આવી સોનાની ચેઇન, બે સોનાના પાટલા અને મંગળસૂત્ર પણ કઢાવી લીધુ હતું.
જેના ઉપર લાલ રંગનું કેમિકલ લગાવી મહિલાને તુરત કૂકરમાં પાણી ગરમ કરી હળદર નાખી બે સિટી વગાડવા કહ્યું હતું. અને કૂકરમાં સોનાના દાગીના ભેજાબાજોએ નાખી દીધા હતા.અમે પાંચ મિનિટમાં આવ્યે છે તેમ કહી બન્ને ફરાર થઈ ગયા હતા. મહિલાને શક જતા કુકર ખોલીને જોતા તેમનું 5 તોલા સોનું ગાયબ હતું. હિન્દી, તમિલ અને અંગ્રેજી ભાષા બોલતા બન્ને ભેજાબાજોએ તેમને ઠગ્યા હોવાનો એહસાસ થતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ધટના અંગે જીઆઈડીસી પોલીસ એ ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.