અંકલેશ્વરમાં પ્રેમલગ્ન કર્યા બાદ માત્ર ચાર જ મહિનામાં પત્નીને તરછોડી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે પત્નીએ અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ઘરમાંથી કાઢી મૂકી મારપીટની ફરિયાદ નોંધાવી છે.
તમે નોકરી પર ક્યાં જાઓ પૂછતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો
અંકલેશ્વર તાલુકાનાં નવા છાપરા ગામ ખાતે ભાડાના મકાનમાં રહેતી મૂળ જુના કાંસીયા ગામની સોનલ વસાવાને પોતાના ઘર નજીક રહેતો કેતન વસાવા જોડે ત્રણ વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ ગત 31મી મેં 2022ના રોજ બંનેના માતા-પિતાની સંમતિથી તથા સંબંધીઓની હાજરીમાં પ્રેમ લગ્ન કર્યા હતા. જે લગ્ન બાદ તેઓ નવા છાપરા ખાતે ભાડાનું મકાન રાખી ત્યાંથી લગ્ન જીવનની શરૂઆત કરી હતી. કેતન રોજ સવારે નોકરી પર નીકળી ગયા બાદ સાંજે પરત આવતો હતો. એક દિવસ સોનલ વસાવાએ તેના પતિને તેઓ નોકરી પર ક્યાં જાય છે પુછતા, તું તારા કામથી મતલબ રાખ કરી ઝગડાની શરૂઆત કરી હતી.
પતિએ તેની પત્નીનો નંબર પણ બ્લોક કરી દીધો હતો
ત્યાર બાદ કેતન વસાવા રોજ તેની પત્ની સાથે અવાર-નવાર ઝઘડો કરીને શારીરિક માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી તેને પિયરમાં જતા રહેવા દબાણ કરતો હતો. દરમિયાન 20મી સપ્ટેમ્બરના રોજ લગ્નના ચાર મહિનામાંજ સોનલને છોડી પુનઃકેતન પોતાના માં-બાપ જોડે રહેવા જુના કાસીયા જતો રહ્યો હતો. જે બાદ સોનલ ત્યાં તેની પાસે પહોંચતા તેને ધોલધપાટ કરી કાઢી મૂકી હતી. જે બાદ તેના મોબાઈલ પર ફોન કરતા તેણે તેનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. અંતે કંટાળી સોનલ વસાવાએ પોતાના પતિ કેતન વસાવા વિરુદ્ધ અંકલેશ્વર સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 498(એ) 504 મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.